સારી શરૂઆત પછી, જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ બોક્સ ઓફિસ પર ધીમી પડી ગઈ છે. સોમવારે ફિલ્મની કમાણી ઓછી રહી. જ્હોનની ફિલ્મે રિલીઝના ચોથા દિવસે માત્ર 1.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાર દિવસમાં ફિલ્મની કુલ કમાણી 14.98 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સપ્તાહના અંતે આ આંકડા વધુ વધશે તેવી અપેક્ષા હતી પરંતુ એવું થયું નહીં. જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ હોળીના દિવસે એટલે કે 14 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 4.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હોળીના વ્યસ્ત તહેવાર અને રમઝાન મહિના છતાં, ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સારું માનવામાં આવતું હતું. ‘ધ ડિપ્લોમેટ’ ફિલ્મની વાર્તા ભારતીય રાજદ્વારી જીતેન્દ્ર પાલ સિંહ (જે.પી. સિંહ) ની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ભારતીય મહિલા ઉઝમા અહેમદને લગ્નમાં ફસાવીને પાકિસ્તાનમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે. ઉઝમાને માર મારવામાં આવે છે અને તેનું જાતીય શોષણ કરવામાં આવે છે. ભારતના તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ડેપ્યુટી હાઈ કમિશનર જે.પી. સિંહે તેમને પાછા લાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા. આ ફિલ્મમાં જોન અબ્રાહમે જે.પી.સિંહ ની ભૂમિકા ભજવી હતી. શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં જોન, સાદિયા ખતીબ, શારિબ હાશ્મી, કુમુદ મિશ્રા અને રેવતી મુખ્ય ભૂમિકામાં છે. જ્હોન અબ્રાહમે ટી-સિરીઝના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, વાકાઓ ફિલ્મ્સના વિપુલ ડી. શાહ, અશ્વિન વર્દે, રાજેશ બહલ અને ફોર્ચ્યુન પિક્ચર્સ/સીતા ફિલ્મ્સના સમીર દીક્ષિત, જતીશ વર્મા, રાકેશ ડાંગ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું છે.