વડોદરા ‘રક્ષિતકાંડ’માં આરોપી રક્ષિતને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરતા તે હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આરોપી રક્ષિતને યાર્ડ નંબર-12 સ્થિત બેરેક નંબર 14માં રાખવામાં આવ્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 8 લોકોને ઉડાવ્યા બાદ બાદ બૂમાબૂમ કરનાર રક્ષિત બેરેકમાં સૂમસામ બેસી રહ્યો છે અને જેલમાં તેને માત્ર દાળ અને રોટલી ખાધી હોવાનું જાણવા મળ્યું છે. રક્ષિત ચૌરસિયા વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ
આરોપી રક્ષિત ચૌરસિયાને ગઈકાલે સોમવારે વડોદરા કોર્ટમાંથી સીધો વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જવાયો હતો. જ્યાં પહેલી રાતે તેને બેરેક ફાળવવામાં આવી નહોતી. આજે સવારે વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસ અધિકારી સામે તેને પાસિંગ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ એનું નામ અને કયા કેસમાં લાવવામાં આવ્યો છે, તે બાબતે સવાલો કર્યા હતા. ત્યાર બાદ કેદી તરીકે રક્ષિતનું એડમિશન કરવામાં આવ્યું હતું અને આરોપી રક્ષિતને યાર્ડ નંબર-12 સ્થિત બેરેક નંબર 14 ફાળવવામાં આવી હતી. ત્યાર બાદ રક્ષિત બેરેકમાં ગયો હતો. જોકે, રક્ષિતે તેની સાથે અન્ય કેદીઓ સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરી નહોતી અને ગુમસૂમ બેસી રહ્યો હતો. રક્ષિતે જેલમાં દાળ અને રોટલી ખાધી હતી
વડોદરા સેન્ટ્રલ જેલમાં દરેક કેદીઓ માટે દાળ-ભાત, શાક અને રોટલીનું ભોજન આપવામાં આવે છે. રક્ષિતને પણ આ જ ભોજન પીરસવામાં આવ્યું હતું. કારણ કે, રક્ષિતે હજી સુધી ઘરના ભોજન માટે મંજૂરી મેળવવા અરજી કરી નથી. જેથી રક્ષિતે જેલમાં દાળ અને રોટલી ખાધી હતી. આજે રક્ષિતના માતા-પિતા કે તેના વકીલ કોઈ તેને મળવા આવ્યું નહોતું. 13 માર્ચે રક્ષિતે 8 લોકોને અડફેટે લીધા, એકનું મોત
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી અને તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપીની બાજુમાં બેસેલા પ્રાંશુ ચૌહાણની પણ અટકાત કરી હતી. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ. યુનિવર્સિટીમાં કાયદાનો અને પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.