ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાં 21 વર્ષીય વિદ્યાર્થી વંશ ગેન્ટે શંકાસ્પદ રીતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી, જ્યારે વંશ પોતાના રૂમ નંબર 31માં એકલો હતો. અગમ્ય કારણોસર એકલતાનો લાભ ઉઠાવી તેણે રૂમના દરવાજાનાં હેન્ડલ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાધો હતો. પરિવારજનોને ઘટનાની જાણ કરતાં ગાંધીનગર દોડી આવ્યા હતા. રૂમમેટે બહારથી આવી દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો
વંશ ગેન્ટ, પંજાબના પટિયાલાના રહેવાસી અને યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તે પોતાના રૂમમેટ પ્રિતેશ સાથે બોય્ઝ હોસ્ટેલમાં રહેતો હતો. સોમવારે રાત્રે પ્રિતેશ કેમ્પસમાં ગયો હતો અને વંશ રૂમમાં એકલો હતો. રાત્રે સાડા અગિયાર વાગ્યે પ્રિતેશ પરત આવ્યો ત્યારે દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ જવાબ ન મળ્યો હતો. આથી અન્ય વિદ્યાર્થીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો, જ્યાં વંશ ગળાફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યો હતો. હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો
વંશને તાત્કાલિક એસએમવીએસ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી.આર. ખેર અને તેમની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી. વંશનો મોબાઇલ અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે અને તેના ફોનના CDR (કોલ ડેટા રેકોર્ડ) મંગાવવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. પોસ્ટમોર્ટમ અને પરિવારની પ્રતિક્રિયા
વંશની લાશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એફએસએલ ટીમ અને પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વંશના પરિવારને રાતે જ જાણ કરવામાં આવી હતી. વંશના કાકા અને મામા પટિયાલાથી ગાંધીનગર પહોંચ્યા હતા. આપઘાતનું કારણ અજાણ
હાલમાં વંશના આપઘાતનું કારણ સ્પષ્ટ નથી. પ્રાથમિક તપાસમાં કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. વંશના રૂમમેટ અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ ચાલુ છે. કેમ્પસમાં શોકનો માહોલ
આ ઘટનાથી યુનિવર્સિટી કેમ્પસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વંશના પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી છે. આ શંકાસ્પદ આપઘાતના કારણે યુનિવર્સિટી અને પરિવાર બંનેમાં શોકનો માહોલ છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસનું નિવેદન
પીઆઈ ખેરના જણાવ્યા મુજબ, “આપઘાતનું કારણ જાણવા માટે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. વંશના મોબાઇલ અને લેપટોપની તપાસ બાદ વધુ માહિતી મળી શકે છે.” યુનિવર્સિટીમાં વેલનેસ ઈનિશિએટિવ સેલ
યુનિવર્સિટી કેમ્પસમાં આજે મૃતક વંશની યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં વાઈસ ચાન્સેલર ડૉ. એસ શાંતાકુમારે શોક સંદેશો પાઠવી દિલસોજી વ્યક્ત કરી હતી અને માનસિક તણાવ અનુભવવાના બદલે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના સ્પેશિયલ સેલનો સપંર્ક કરવા જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં વેલનેસ ઈનિશિએટિવ સેલ બનાવાયો છે, જેમાં કાઉન્સિલર, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને 50 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આ સેલ 24 કલાક કાર્યરત રહેતો હોવાથી માનસિક તણાવમાં રહેવાના બદલે ગમે તે સમયે તેનો સંપર્ક કરવા વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીઓને કહ્યું છે.વંશ કેટલાક દિવસોથી મૂંઝાયેલો રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, વંશ માનસિક તણાવમાં રહેતો હતો. ભણવામાં તેજસ્વી એવા વંશને ડિપ્રેશનની તકલીફ હોવાથી સારવાર ચાલી રહી હતી. દવાઓની સાથે તેને કાઉન્સેલિંગ પણ અપાયું હતું. ઉપરાંત પોલીસ લવ એંગલથી પણ તપાસમાં લાગી છે.