જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચેઈન સ્નેચિંગના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કેશોદ અને જેતપુરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન છીનવી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજકોટના વ્રુશાંત ઉર્ફે શ્યામ વિજય ધનેશા (ઉંમર 30) અને નિશીત હિતેષ ચોક્સી (ઉંમર 25)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 14,030, મોબાઈલ ફોન (કિંમત રૂ. 21,000), 10 ગ્રામની સોનાની બિસ્કિટ (કિંમત રૂ. 89,000) અને મોટરસાઈકલ (કિંમત રૂ. 70,000) કબજે કર્યા છે. કેશોદમાં બનેલી ઘટનામાં આરોપીઓએ એક મહિલાના ગળામાંથી 31.620 ગ્રામનો સોનાનો ચેઈન (કિંમત રૂ. 1,77,150) છીનવ્યો હતો. આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ રાજકોટની તુલજા ભવાની જ્વેલર્સ અને રાધિકા જ્વેલર્સમાં વેચ્યો હતો. આ કામગીરી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ PSI ડી.કે. ઝાલા અને તેમની ટીમે અંજામ આપી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને દોલતપરા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા.