વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતિષકુમાર હરેશભાઈ સુતરીયા અને યુક્તાકુમારી આશિષકુમાર મોદી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાનિલ (Fentanyl) નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો, ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસ વધુ તપાસ હાથ ધરશે. સિનોલોઆ કાર્ટેલ અને સુરતના ઉદ્યોગપતિઓ વચ્ચે કનેકશન કેવી રીતે બન્યું?
ગુજરાત ATS દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, સુરતના એથોસ કેમિકલ્સ પ્રા.લિ., અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ અને એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાટેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ-મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતાં હતા. આ કેમિકલ્સ ગ્વાટેમાલા સ્થિત JC Import કંપનીને મોકલવામાં આવતાં હતા, જે સિનોલોઆ કાર્ટેલ સાથે સીધા સંકળાયેલી હોવાનું અનુમાન છે. બન્નેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બન્નેના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા છે.ATS બંન્નેને લઇ અમદાવાદ નીકળી ગઈ છે. ગુજરાત ATSને મળેલી બાતમી અનુસાર, આ ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર રીતે ડ્રગ બનાવવાના ચાવીરૂપ કેમિકલ્સને બોગસ નામ અને ખોટા દસ્તાવેજો દ્વારા નિકાસ કરતા હતા.1-Boc-4-Piperidoneને Vitamin C તરીકે લેબલ કરી એર કાર્ગો મારફતે મોકલવામાં આવ્યું હતું. 4-Anilino-N-phenethylpiperidine (ANPP) અને N-Phenethyl-4-piperidinone (NPP) જેવા કન્ટ્રોલ્ડ સબસ્ટન્સને ખોટા દસ્તાવેજો દ્વારા વિદેશ મોકલવા માટે તૈયાર કરવામાં આવતું હતું. આ કેમિકલ્સનું મોટો જથ્થો કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ એજન્સીઓની નજરોથી છુપાવીને મોકલવામાં આવતો હતો. ATSના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંને ઉદ્યોગપતિઓ બોગસ એન્ડ-યૂઝર સર્ટિફિકેટ અને ખોટી ઇન્વોઇસ દ્વારા, એર કાર્ગો મારફતે 1-Boc-4-Piperidone (N-Boc-4-Piperidone) અને 4-Piperidone જેવા ડ્રગ કન્ટ્રોલ્ડ કેમિકલ્સને વિદેશ મોકલી રહ્યા હતા. આ કેમિકલ્સ United Nationsની International Narcotics Control Board (INCB) દ્વારા Red Listમાં મુકાયેલા છે અને ભારત સરકારના Central Bureau of Narcotics (CBN) દ્વારા International Special Surveillance List (ISSL) હેઠળ નિયંત્રિત છે. સિનોલોઆ કાર્ટેલ: વિશ્વના સૌથી ખતરનાક ડ્રગ માફિયાઓમાંથી એક
સિનોલોઆ કાર્ટેલ વિશ્વના સૌથી મોટા અને ખતરનાક ડ્રગ કાર્ટેલ્સમાંથી એક છે. આ કાર્ટેલની સ્થાપના ber ber ber ber ‘એલ ચાપો’ તરીકે જાણીતા જોઅક્વિન ગુઝમાને કરી હતી. આજકાલ સિનોલોઆ કાર્ટેલ ફેન્ટાનિલ, હેરોઈન, કોટીન અને અન્ય ડ્રગ્સના વિશ્વભરના સપ્લાયર તરીકે કામ કરે છે. ફેન્ટાનિલ એક અત્યંત મજબૂત સિન્થેટિક ઓપિયોઇડ છે, જે મોર્ફિન કરતાં 50 ગણું વધારે ઘાતક છે. ફેન્ટાનિલના કારણે અમેરિકામાં દર વર્ષે આશરે 70,000 લોકોની ઓવરડોઝથી મોત થાય છે. સિનોલોઆ કાર્ટેલ દ્વારા ફેન્ટાનિલનું મોટાપાયે ઉત્પાદન અને વિતરણ થાય છે, જે અમેરિકાના ડ્રગ માર્કેટમાં સૌથી વધુ જોખમકારક ગણાય છે. ફેન્ટાનિલ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ ભારતમાંથી ગેરકાયદેસર રીતે નિકાસ કરી વિદેશ મોકલવામાં આવતા હતા. શું છે આખું કાવતરું?
ગુજરાત ATS અને કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે બહાર આવ્યું કે, સુરત સ્થિત એસ.આર.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એથોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પ્રતિબંધિત ફેન્ટાનીલ બનાવવા માટે જરૂરી કાચા માલ (પ્રીકર્સર) ખરીદી અને એક્સપોર્ટ કરવા માટે બોગસ એન્ડ-યૂઝર સર્ટિફિકેટો અને ખોટા દસ્તાવેજો તૈયાર કરી રહ્યા હતા. આરોપી સતિષકુમાર સુતરીયા (36, સુરત) અને યુક્તાકુમારી મોદી (24, ઓલપાડ, સુરત) એ એમીનો ઓર્ગેનિક્સ હૈદરાબાદના સેલ્સ મેનેજર બાલાકૃષ્ણ પ્રસાદ ગૌડા સાથે મળી 30 કિ.ગ્રા. 4-Anilino-N-phenethylpiperidine (ANPP) અને N-Phenethyl-4-piperidinone (NPP) ખરીદવા માટે બોગસ ઓર્ડર આપ્યા હતા. વધુમાં, આરોપીઓએ કસ્ટમ ક્લિયરન્સ માટે ખોટા લેબલ્સ અને ઇન્વોઇસ તૈયાર કરી, જેને મેક્સિકો અને ગ્વાટેમાલા મોકલવામાં આવ્યા હતા. ડ્રગ્સ રેકેટનું દુબઈ કનેક્શન
તપાસમાં બહાર આવ્યું કે આ આરોપીઓના કનેક્શન યુ.એસ.એ., મેક્સિકો અને ગ્વાટેમાલાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે છે. યુક્તાકુમારી મોદીએ તેની સહકર્મી દિશાબેન પટેલને ફોનમાં જણાવ્યું હતું કે, માલને પ્રથમ દુબઇ મોકલી ત્યાંથી નવા લેબલ્સ સાથે ગ્વાટેમાલા મોકલવામાં આવશે. જેથી કોઇને શંકા ન જાય. ATS દ્વારા રીમાન્ડ માટે અપાયેલા કારણો 1. આ આરોપીઓ સિવાય અન્ય કોણ કોણ કાવતરામાં સામેલ છે?
2. આરોપીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સાથે કેટલા સમયથી સંકળાયેલા છે?
3. પ્રતિબંધિત ડ્રગ માટે તૈયાર કરાયેલા બોગસ દસ્તાવેજો ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવ્યા?
4. વિદેશી કંપનીઓ સાથે કયા માધ્યમથી લેવડ-દેવડ હતી?
5. દુબઇમાં તેઓની કઇ કંપની છે અને શું અગાઉ પણ ડ્રગ્સનું એક્સપોર્ટિંગ થયું છે?
6. ભારતમાં અન્ય જગ્યાએ અન્ય ડ્રગ્સ સંતાડ્યા છે કે નહીં?
7. અન્ય બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિઓ કેવી રીતે એકત્ર કરવામાં આવી? ATSના અધિકારીઓએ જણાવ્યું કે આ આરોપીઓ ભણેલા છે. સતીશ માસ્ટર ઈન ફાર્માસ્યુટિકલ છે.અને પોલીસ પુછપરછ દરમિયાન ગોળગોળ જવાબો આપી રહ્યાં છે. તપાસમાં આરોપીઓના ઇ-મેઇલ, બેંક એકાઉન્ટ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે.