કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે રક્ષિત ચોરસિયાએ આઠ જણાને કારથી ઉડાવી દેતાં. એક મહિલાનું મોત અને સાત જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે રક્ષિતે અઢી મહિના અગાઉ પણ આવી જ રીતે સેવાસી રોડ પર પણ આ જ કારને બેફામ હંકારી હતી અને કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. કારેલીબાગની ઘટના મુજબ પ્રાંશુ ચૌહાણ પણ રક્ષિતની બાજુમાં જ બેઠો હતો. જોકે સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી. સુત્રો મુજબ, કરજણ ડિઓન ટેક્નોલોજી પ્રા.લી.ના નામે રજીસ્ટર કાર વોક્સવેગન વર્ટસ જીટી GJ-06-RA-6879 પ્રાંશુ ચૌહાણની હોવાનું સામે આવ્યું હતું. આ કાર 8 નવેમ્બર, 2024એ રજીસ્ટર થઈ હતી. ત્યારે કાર લીધાના એક મહિના બાદ ડિસેમ્બરમાં રક્ષિત ચોરસિયા અને તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ સેવાસી રોડ તરફ નીકળ્યા હતા. કારેલીબાગની ઘટના મુજબ જ રક્ષિત કાર ચલાવતો હતો અને પ્રાંશુ તેની બાજુમાં બેઠો હતો. સેવાસી રોડ પર પણ રક્ષિતે બેફામ કાર હંકારી હતી. તે સમયે કાર એટલી સ્પીડમાં હતી કે, તે કાર રક્ષિતના નિયંત્રણમાં ન રહેતાં રોડની નીચે ઉતરી ગઈ હતી. જે-તે સમયે કારને ઘણું નુકસાન થયું હતું. જોકે અઢી માસ અગાઉ સેવાસી રોડ ખાતે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. બંને મિત્રો સહી સલામત ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે ફરી રક્ષિતે બેફામ કાર હંકારી કારેલીબાગમાં આઠ જણાને ઉડાવ્યા હતા. ત્યારે પોલીસ આ મામલે તપાસ કરે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. કારની સ્થિતિ એટલી ખરાબ હતી કે, આરટીઓ અભિપ્રાય આપી ન શકી
રક્ષિત ચોરસિયાએ આઠ લોકોને કારથી અડફેટે લીધા હતા. ત્યારે તે કારની તપાસ કરાવવા પોલીસે આરટીઓને પત્ર લખ્યો હતો. આરટીઓએ કારની ટેકનિકલ ખામી સહિત અંગે તપાસ હાથ ધરી હતી. જોકે આરટીઓ દ્વારા તપાસ કરાતા કારની પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું હતું. આરટીઓ પણ ખામીનો અભિપ્રાય આપી નહી શકતાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રક્ષિત સેમી હાઈ સિક્યુરિટી બેરેક હવાલે, સતત CCTV સર્વેલન્સ હેઠળ
રક્ષિત ચોરસિયાને સોમવારે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે ઈન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડેન્ટ મુકેશ ચૌધરીએ કહ્યું હતું કે, રક્ષિત ચોરસિયાને યાર્ડ-12ની સેમી હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. તેની સાથે અન્ય 4-5 ગંભીર પ્રકારના ગુનાના આરોપી છે. તેને ઘરેથી અથવા બહારથી જમવાનું લેવાની મંજૂરી મેળવી ન હોવાથી, તેને જેલનું જમવાનું આપવામાં આવી રહ્યું છે. આરોપીને સતત 24/7 સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવામાં આવી રહ્યો છે. રક્ષિતનું લાઇસન્સ રદ કરાવવા ટીમ વારાણસી આરટીઓ જવા નીકળી
પોલીસે રક્ષિતના લાયસન્સ અંગે તપાસ કરતા તેનું લાયસન્સ ઉત્તરપ્રદેશ વારાણસીનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવા વડોદરા શહેર પોલીસની એક ટીમ વારાણસી આરટીઓ જવા નીકળી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની ઘટના સંદર્ભે 9 સાક્ષીનાં નિવેદન લેવાયાં
કેસને વધુ મજબુત કરવા પોલીસ નજરે જોનાર વધુ વ્યક્તિ સહિતના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે. આ સાથે પોલીસ દ્વારા રક્ષિતના મિત્રો પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડની પણ પૂછપરછ કરાઇ રહી છે. પોલીસે 9 સાક્ષીના વિગતવાર નિવેદન નોંધ્યા હતા. શહેરમાંં દારૂ અને ડ્રગ્સના વેચાણના આરોપ સાથે NSUIનું પોલીટેક્નિક કેમ્પસ પાસે ચક્કાજામ, 10 કાર્યકરોની અટક
વડોદરામાં દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણ સામે એનએસયુઆઇ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરાયું હતું. એનએસયુઆઇનું પોલીટેકનિક કેમ્પસ બહાર ચક્કાજામ ગૃહમંત્રીનાં રાજીનામાની માંગી કરી હતી. પોલીસે ટીંગાટોળી કરી 10 કાર્યકરોની અટકાયત કરી હતી. કેટલાક વર્ષોથી નશીલા પદાર્થ વેચનારાને ખુલ્લી છૂટ મળી ગઈ છે તેવા આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ પોલિટેક્નિક બ્રિજ પાસે રસ્તા પર ચક્કાજામ કરાયો હતો. એનએસયુઆઇના અગ્રણી દુષ્યંત રાજપુરોહિતએ જણાવ્યું હતું કે શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો તેમાં પોલીસની લાપરવાહી છે