જયરામ મહેતા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની વિજિલન્સ ટીમો એક સાથે રાજ્યની 32 આયુર્વેદ કોલેજનું ચેકિંગ કરાતા 9 કોલેજોમાં અનેક ત્રૃટી બહાર આવી છે, જેમાંથી મહીસાગર જિલ્લાની એક કોલેજની માન્યતા રદ કરીને અન્ય 8 કોલેજની કુલ 57 સીટો ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીના આ પગલાંથી આયુર્વેદ શિક્ષણ જગત જ નહીં, રાજકીય ક્ષેત્રે પણ ભૂકંપ આવ્યો છે. કારણ કે, અમુક ચોક્કસ કોલેજમાં કેટલાંક રાજકીય મોટાં માથાં પણ પડદા પાછળ રહીને પોતાના બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવી રહ્યાં છે. આથી, યુનિવર્સિટી પ્રશાસન પર રાજકીય દબાણ લાવવાનાં ચક્રો પણ ગતિમાન થઈ ગયાં છે.
રાજ્યની 32 આયુર્વેદ કોલેજમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું. સિનિયર પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એક લેક્ચરરની બનેલી આ ટીમ દરેક કોલેજમાં પહોંચીને તરત જ એક સભ્ય ઓપીડી, એક આઇપીડી અને એક રજિસ્ટરના ફોટા પાડવા પહોંચી જતા હતા, જેથી કંઈ સુધારવાનો કે કોઈને એલર્ટ કરવાનો સમય જ રહે નહીં. આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલે ભાસ્કરને કહ્યું કે, આયુર્વેદ કોલેજોને અમે ઓપીડી અને આઇપીડીમાં સીસીટીવી મૂકવા તેમજ ટીચિંગ સ્ટાફની ફિંગર પ્રિન્ટથી હાજરી પૂરવા અને ત્યાં પણ સીસીટીવી લગાવવાની સૂચના આપી હતી. ઘણી કોલેજોએ ઇન્સ્પેક્શન વખતે ડેટા આપ્યા નહોતા. આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા માટે આ કાર્યવાહી જરૂરી હતી.કોલેજોને રેટિંગ, માન્યતા આપનારી સંસ્થા એનસીઆઇએસએમને જાણ કરી છે. પેનલ્ટી થતાં સંચાલકો અપીલમાં જતા એટલે આ વખતે સ્ટ્રેટેજી બદલી
આયુર્વેદ કોલેજમાં ઇન્સ્પેક્શન પછી કોઈ ખામીઓ દેખાય તો તેને લાખો રૂપિયાની પેનલ્ટી કરવામાં આવતી હતી પણ આવા કિસ્સામાં મોટા ભાગના સંચાલકો સરકાર પાસે અપીલમાં જતા અને ચોક્કસ રાજનેતાઓની મદદથી તેમાં માફી મેળવતા કે પેનલ્ટી ઓછી કરાવી નાખતા હતાં. પરિણામે આ વખતે યુનિવર્સિટીએ એકાએક પોતાની સ્ટ્રેટેજી બદલી અને સીટો કાપી નાંખવાની કાર્યવાહી કરતા સંબંધિત વર્તુળો ચોંકી ઊઠ્યા છે. { ધન્વંતરી આયુર્વેદ કોલેજ, કોયડમ, જિ. મહીસાગર માન્યતા રદ
{ જય જલારામ આયુર્વેદ કોલેજ, શિવપુરી, જિ. પંચમહાલ 6 સીટ
{ શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક મેડિકલ કોલેજ, અમરેલી 6 સીટ
{ દાળિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, કનેરા, જિ. ખેડા 10 સીટ
{ અનન્યા આયુર્વેદિક કોલેજ, કલોલ, જિ. ગાંધીનગર 3 સીટ
{ હિમાલય આયુર્વેદ ચિકિત્સાલય અને મહાવિદ્યાલય, વડસ્મા, જિ. મહેસાણા 6 સીટ
{ સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદ કોલેજ, સુરેન્દ્રનગર 6 સીટ
{ બી.જી. ગરૈયા આયુર્વેદ કોલેજ, રાજકોટ10 સીટ
{ મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, ગાંધીનગર 10 સીટ