નડિયાદની 29 વર્ષીય યુવતીનું પ્રેમલગ્ન જીવન ડામાડોળ પર આવી ગયું છે. 12 વર્ષના પ્રેમલગ્ન જીવનમાં દહેજના વિચારોએ આગ લગાડતા સાંસારીક જીવનમાં વિખવાદ ઊભો થયો છે. પ્રેમલગ્નના લાંબા વર્ષે નાખુશ પીડીતાના માવતર જ્યારે બોલાવતા થયા ત્યારે પતિએ પીડીતાને કહ્યું કે, આપણે 2 દિકરીઓને પાલવવાની છે આથી રૂપિયા 3 લાખ અને કરિયાવર લઈ આવ જે માંગણી ન સંતોષાતા પતિ, સાસુ, સસરા અને દિયર પીડીતાને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત સાસુ અને સસરા પુત્રની ઘેલાછામા પીડીતાને કહ્યું કે ‘તારા પેટે શું પથરા જણ્યા છે, અમારે વંશવેલો વધારવાનો છે’ તેમ કહી પરીણિતાને ત્રાસ આપી ઘરની બહાર તગેડી મૂકી હતી. આથી આ બનાવ મામલે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ મથકે દોડી જઇ પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર સામે શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. નડિયાદ શહેરમાં રહેતી 29 વર્ષीય યુવતીએ પોતાની મરજી મુજબ પરિવારના વિરુદ્ધમા જઈને વર્ષ 2013માં પોતાના સમાજના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન કરનાર પરિવાર મહેમદાવાદના હતા. બાદમાં યુવતી પોતાની મહેમદાવાદ ખાતેની સાસરીમાં આવી હતી. જ્યાં તેણીના પતિ, સાસુ, સસરા અને દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. સાસરીયાઓએ એક મહિના બાદ પોતાનો રંગ દેખાડવાનું શરુ કરી દીધું હતું અને પ્રેમલગ્ન કરીને આવેલી પરીણિતા પર નાની,નાની બાબતે વાંક કાઢી તેણીને હેરાન અને મારઝૂડ કરતા હતા. સાસુ-સસરા અવારનવાર કહેતા કે, ‘તું અમારી પસંદની નથી, અમારો દીકરો તને લાવ્યો છે, તું તારા પિયરમાંથી કાંઈ લાવી નથી’ તેમ કહી ત્રાસ આપતા હતા. બીજી તરફ પરીણિતાને સાસરીમાં આવ્યા બાદ માલૂમ પડેલ કે તેમના પતિના અગાઉ પણ લગ્ન થઈ ગયેલા હતા જે વાત તેના પતિએ તેનાથી છુપાવી હતી. આમ છતાં તેણી સાસરીમાં રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય તેણીની ત્યાં રહેતી હતી. દરમિયાન સારા દિવસો રહેતા તેણીએ એક દિકરીને જન્મ આપ્યો હતો. સુવાવડ સમયે પણ સાસરીયાના લોકો પરીણિતાને મહેણાંટોણાં મારતા હતા. આ વચ્ચે સાસરીયોનો ત્રાસ એટલી હદે વધ્યો કે, તેણીને ઘરની બહાર જવા ન દે, કોઈની સાથે વાતચીત કરવા ન દે, સરખું જમવાનું ન આપે તેવી રીતે હેરાનગતિ કરતા હતા. આવી રીતે ચાર વર્ષ પસાર કર્યા બાદ ફરીથી પીડિતાને સારા દિવસો રહ્યા હતા અને ફરીથી તેણીએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જે સાસુ, સસરાને ગમ્યું નહોતું અને મહેણાંટોણાં મારી કહેતા હતા કે, ‘તારા પેટે શું પથરા જણ્યા છે, અમારે વંશવેલો વધારવાનો છે’ તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ અવારનવાર તેણીની સાથે મારઝૂડ કરતો હતો. જોકે આ બીજી દિકરીના જન્મ બાદ પીડીતાના માવતર અને પરિવારજનો બોલાવતા થયા હતા.જેથી સંબંધ સુધરતા પતિએ પણ દહેજની માંગણી કરી હતી. તેણે પોતાની પત્નીને કહ્યું કે, આપણે બે દિકરીઓ છે જેથી તારા પિયરવાળાને કહે કે રૂપિયા 3 લાખ રોકડ અને કરિયાવર આપે તેમ કહી ત્રાસ આપતાં હતાં. આ ઉપરાંત પીડીતાના દિયર પણ તેના ભાઈને ચઢામણી કરતો હોવાથી પીડીતા પર દિવસેને દિવસે ત્રાસ વધતો ગયો હતો અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ સાસરીયાઓએ તેણીને ઘરની બહાર તગેડી મૂકી હતી. અને સાસરીમાં રાખવા ધરાહર સાસરીયાઓએ ના પાડી દીધી હતી. આથી આ બનાવ મામલે પીડીતાએ મહેમદાવાદ પોલીસ મથકે અરજી કરી હતી. જે બાદ ન્યાય મેળવવા માટે નડિયાદ મહિલા પોલીસ મથકે દોડી આવી પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે શારિરીક માનસિક ત્રાસ અને દહેજની કલમ હેઠળ સાસરીયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.