સુરતમાં વેડરોડ ખાતે બે દીકરીને માતા-પિતા ઘરે મુકીને સંબંધીને મળવા ગયા હતા. ત્યારે ઘરના બેડરૂમમાં મોટી બહેને 7 વર્ષીય નાની બહેનની નજર સામે જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બાળાએ આપઘાત પહેલાં સુસાઇડ નોટ લખી હતી. ‘મમ્મી મને માફ કરી દેજે, મારાથી ભૂલમાં મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો છે, તું મને માફ કરી દેજે’. પુત્રીએ ભરેલા આપઘાતના પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જેનિષા ધો. 7માં અભ્યાસ કરતી હતી
મળતી માહિતી અનુસાર, વેડરોડ ખાતે જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતા કપિલ દુધલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે અને તેમના પત્ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેમના ઘરમાં બે દીકરી 12 વર્ષીય જેનીષા, 7 વર્ષીય નાની દીકરી સરૂ અને બે વર્ષનો દીકરો કાનો રહે છે. જેમની મોટી દીકરી જેનિષા વેડરોડ ખાતે આવેલ શારદા એકેડેમી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરતી હતી. બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો
કપિલ શનિ-રવિ રજાના દિવસે સુરત પરિવાર સાથે રહેવા આવે છે. બે દિવસ પહેલા કપિલ તેની પત્ની અને પુત્ર સાથે સંબંધીના ઘરે મળવા માટે ગયા હતા અને બંને દીકરી જેનીષા અને સરૂ ઘરે એકલી હતી. દરમિયાન જેનીષાએ ઘરના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સરૂએ બારીમાંથી પડોશીને બોલાવતા ઘટનાની જાણ થઈ હતી. આ અંગે ચોકબજાર પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ‘તું જ્યારે એ પાનું વાંચીશ ત્યારે હું મરી ગઈ હોઇશ’
પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં જેનિશાએ લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી જે વાંચી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક જેનીષાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, માફ કરજે મમ્મી, મારાથી મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો છે, તુ મને માફ કરી દેજે, હું ફાંસો ખાઉં છું, ફાંસો ખાઈ મરી જઈશ તો તું રોતી નહીં, હું નથી તો તુ મારા ભાઈ કાનાનું અને નાની બહેન સરૂનું ધ્યાન રાખજે. તું જ્યારે એ પાનું વાંચીશ ત્યારે હું મરી ગઈ હોઇશ. ચોક બજાર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુમેળ ભર્યું વાતાવરણ ઘરમાં બનાવવું જોઈએ- પીઆઈ, એન.જી.ચૌધરી
એન.જી.ચૌધરી (પીઆઈ)એ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ હોય તેમાં વાલીઓએ બાળકો જે પોતાની રજૂઆત હોય છે તે તેમને કહી શકે તેવું સુમેળ ભર્યું વાતાવરણ ઘરમાં બનાવવું જોઈએ. જેના કારણે આવી કોઈ દુઃખ ઘટના ન બને. માતા-પિતા અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે કોઈ ઘટના બની ગઈ હોય અને તે અંગે કહી ના શકે. આવું કોઈ પગલું ન કરે તે માટે ઘરમાં પણ સારું વાતાવરણ બનાવવું જોઈએ.