back to top
Homeગુજરાતનવજાતને થેલામાં નાખી સુરત સિવિલમાંથી ચોરી, CCTV:પૂર્વ મહિલા સિક્યોરિટી દ્વારા જ માસૂમની...

નવજાતને થેલામાં નાખી સુરત સિવિલમાંથી ચોરી, CCTV:પૂર્વ મહિલા સિક્યોરિટી દ્વારા જ માસૂમની ઉઠાંતરી; ચાર સંતાન છતાં બાળકની ચોરી કરતાં બાળતસ્કરીની આશંકા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 21 માર્ચને શુક્રવારે રાત્રે ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હતી. ઘટનાની જાણ થતાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો હોસ્પિટલમાં પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ હતી. આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ નવાગામથી મહિલાની ધરપકડ કરી બાળકને કબજે લઈ પરિવારને સોંપ્યું હતું. પોલીસની પૂછપરછમાં બાળકની ચોરી કરનારી મહિલાનું નામ રાધા ઝા હોવાનું સામે આવ્યું છે. રાધાના પાંચમા બાળકના જન્મ બાદ મોત થતાં તેના દુઃખમાં અને પતિએ ઘરકંકાશમાં તેને ચોર કહી હોવાના કારણે આ નવજાત બાળકની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. આરોપી મહિલા પૂર્વ સિવિલની મહિલા સિક્યોરિટી ગાર્ડ છે. આ સાથે ચાર બાળક હોવા છતાં પણ આ બાળકની ચોરી કરી હોવાથી બાળતસ્કરીની શંકાએ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ છે કે સુરત સિવિલ હોસ્પિટલમાંથી પૂર્વ સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ બાળકની ઉઠાંતરી કરવામાં આવતાં સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગત સાંજે નવી સિવિલમાં મહિલાની ડિલિવરી થઈ હતી
સુરતના બમરોલી રોડ પર ગોવર્ધનનગરમાં ધીરજ શુક્લા પોતાના પરિવાર સાથે રહે છે. ધીરજ શુક્લાની પત્ની સંધ્યાને શુક્રવારે સવારે પ્રસૂતિનો દુખાવો ઊપડતાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં સંધ્યાની પ્રસૂતિ થઈ અને સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો હતો. સંધ્યાને પ્રસૂતિ બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં બીજા માળે દાખલ કરવામાં આવી હતી. બાળક ન મળી આવતાં હોસ્પિટલમાં હોબાળો
સંધ્યાની પ્રસૂતિ થયા બાદ એક મહિલા તેની સાથે રહી હતી અને ત્યાર બાદ સાંજે 9 વાગ્યે સંધ્યાની નણંદની નજર ચૂકવીને સંધ્યાના બાળકની ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી. સંધ્યા અને તેના પરિવારના સભ્યોને આ બાબતે માહિતી મળતાં તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ સ્ટાફની માહિતી આપી હતી. ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. સીસીટીવીમાં બાળકને થેલામાં લઈને જતી મહિલા કેદ
સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ચેક કરવામાં આવતાં પોલીસના ધ્યાને આવ્યું હતું કે મહિલાની નજર આ બાળક પર હતી અને બાળકની ફઈની નજર ચૂકવીને મહિલા સાવચેતીપૂર્વક બાળકને થેલામાં મૂકી હોસ્પિટલની બહાર લઈ ગઈ હતી. તો આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઇ તાત્કાલિક અસરથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમજ ખટોદરા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 100થી વધુ પોલીસકર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી. ચેકઅપ બાદ પોલીસે બાળકને પરિવારને સોંપ્યું
ખટોદરા પોલીસે આખી રાત 200થી કરતાં વધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરી બાળકને ચોરી કરી લઈ જનારી મહિલાને પકડવામાં સફળતા મેળવી છે. ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી બાળકનો કબજો મેળવી તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર પાસે લાવવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ બાળકનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે પરિવારને સોંપવામાં આવ્યું હતું. આરોપી મહિલાને ચાર સંતાન, પતિ અવારનવાર ચોર કહેતો
બાળકનું અપહરણ કરનાર મહિલાનું નામ રાધા ઝા (ઉં.વ.32) છે અને તે સુરતના નવાગામ ડિંડોલી ખાતે આવેલ લક્ષ્મીનગરમાં પોતાના પરિવાર સાથે રહે છે. રાધાને સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો છે અને તાજેતરમાં જ પાંચમા દીકરાનું જન્મ બાદ મોત થયું હતું, તેથી રાધા દુઃખી હતી. આ ઉપરાંત રાધાને પોતાના પતિ રાજુ સાથે ઝઘડાઓ થતા હતા અને આ ઝઘડા દરમિયાન પતિ રાધાને ચોર કહેતો હતો. પતિએ ચોર કહેતાં રાધાને લાગી આવ્યું અને તેને પાંચમા દીકરાના જન્મ બાદ મોતના દુઃખમાં અને પતિએ ચોર કહ્યું હોવાના કારણે આ બાળકની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવીના આધારે મહિલા સુધી પહોંચ્યાઃDCP
આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે 21 માર્ચની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળક ચોરી થવાની જાણ ખટોદરા પોલીસને થઈ હતી. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે તાત્કાલિક જ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા શંકાસ્પદ દેખાઈ હતી અને તે બાળકને લઈ જતી દેખાય હતી, જેથી પોલીસે સીસીટીવીના આધારે મહિલા કઈ જગ્યા પર જાય છે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસને બાળક ન હોવાનું જણાવ્યું
આ મહિલા બાળકને લઇ નવાગામ ડિંડોલી વિસ્તારમાં પહોંચી હતી, તેથી પોલીસે તાત્કાલિક જ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ નગરમાંથી મહિલાને ઝડપી પાડી હતી. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે મારી પાસે બાળક નથી, પરંતુ પોલીસની પૂછપરછ બાદ મહિલાએ કહ્યું હતું કે બાજુના રૂમમાં બાળકને મૂક્યું છે, જેથી પોલીસે તાત્કાલિક જ બાળકનો કબજો લીધો હતો. મહિલાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેનો પતિ તેને ચોર કહેતો હોવાથી તેને કંઈક ને કંઈક ચોરી લેવાની ઈચ્છા બનાવી હતી અને નવી સિવિલ હોસ્પિટલમાં જઈ આ બાળકની ચોરી કરી હતી. મહિલા સિવિલમાં જ સિક્યોરિટી તરીકે કામ કરતી
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે મહિલાની હિસ્ટ્રી તપાસતાં સામે આવ્યું હતું કે આ મહિલા પહેલાં નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી. તેના અણછાજતા વ્યવહારને કારણે એક વર્ષ પહેલાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ગઈકાલે તે નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી અને તેણે નવજાત બાળક પર આશરે ત્રણ કલાકથી વધુ સમય નજર રાખી હતી. મહિલા બેઠી હતી ત્યારે બાળકને કપડાની જરૂર હોવાથી તેના પરિવારજનને આ મહિલાએ કહ્યું હતું કે તમે બાળકને મારી પાસે લાવો, તમે કાપડ લઈને આવો. જેથી પરિવાર વિશ્વાસ કરીને મહિલાને બાળક સોંપીને ગયું હતું અને બાદમાં કાપડ લાવી બાળકને એનઆઈસીયુમાં મૂક્યું હતું, પરંતુ થોડીવારમાં જ બાળક ગુમ થઈ ગયું હતું અને મહિલા પણ ગુમ થઈ ગઈ હતી. થોડા સમય પહેલાં જ આરોપી મહિલાની પ્રસૂતિ થઈ હતી
હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સાથે નવજાત બાળકની ચોરી કરનાર મહિલા રાધા રાજુ ઝાને ચાર સંતાન છે, જેમાંથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલમાં જ તેની પ્રસૂતિ થઈ હતી અને તે બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારે નવજાત બાળકને ચોરી કરી લીધા બાદ પાડોશીને ત્યાં બાળકને રાત રાખ્યું હતું અને બે વખત રાતમાં તેને ફિડિંગ પણ કરાવ્યું હતું. હોસ્પિટલની સિક્યોરિટીને લઈને અનેક સવાલ
સુરત સિવિલમાંથી નવજાત બાળકની ચોરી કરનાર પૂર્વ સિવિલની સિક્યોરિટી ગાર્ડજ હોવાનું સામે આવતાં સુરત સિવિલ હોસ્પિટલની સુરક્ષાની પોલ ખૂલી ગઈ છે. આ સાથે જ જે બિલ્ડિંગમાંથી આ બાળકની ઉઠાંતરી કરવામાં આવી તેના 100 મીટર દૂર જ સુરત સિવિલ હોસ્પિટલની સિક્યોરિટીની ઓફિસ આવેલી છે. સિક્યોરિટી હોવા છતાં પણ આ મહિલા બાળકને લઈને સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી બહાર નીકળી જાય છે છતાં પણ તેને રોકવાવાળું કોઈ નજરે પડતું નથી. આ સાથે જ સ્ટેમસેલ બિલ્ડિંગની નજીક જ સિવિલ હોસ્પિટલની બહાર જવાનો રસ્તો હોવાથી આસાનીથી આ મહિલા બહાર નીકળી ગઈ હતી. બાળકતસ્કરીની દિશામાં પણ તપાસ
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ મહિલાને ચાર બાળક હોવા છતાં પણ તેણે આ બાળકની ઉઠાંતરી કરી હોવાથી બાળતસ્કરીની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, જોકે હાલ પ્રાથમિક દૃષ્ટિએ બાળકતસ્કરી હોય એવું લાગતું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મહિલાને બાળક આપી મારી બહેન કાપડ લેવા ગઈ હતીઃ ત્રિલોકેશ શુક્લા
આ અંગે ત્રિલોકેશ શુક્લા (ભોગ બનનારના મોટા ભાઈ)એ જણાવ્યું હતું કે મારા નાના ભાઈના ઘરે સાંજે 7:00 વાગ્યે દીકરાનો જન્મ થયો હતો. મારી નાની બહેન આવી અને બાળકને જોયું હતું. ત્યાર બાદ કપડાની જરૂર હોવાથી ત્યાં બેઠેલી અજાણી મહિલાએ કહ્યું કે તમે કાપડ લઇને આવો. બાદમાં મારી બહેન કાપડ લઇને આવી અને બાળક કાચની પેટીમાં રાખ્યું. બાદમાં થોડીવાર પછી બાળક કાચની પેટીમાંથી ગુમ થઈ ગયું હતું અને એ મહિલા પણ ત્યાંથી જતી રહી હતી. આરોગ્ય કમિશનરની મુલાકાત બાદ રાત્રે જ બાળકની ચોરી
ગઈકાલે સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવ્યા હતા. હાલ સુપરિન્ટેન્ડેન્ટ રજા પર હોવાથી તેમનો ચાર્જ ડોક્ટર પારુલ વડગામાને આપવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગો સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં તમામ સુવિધાઓ અને સુરક્ષાને લઈને ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટે​ વાહવાહી લૂંટી હતી. એ મુલાકાતની રાત્રે જ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરીની ઘટના બનતાં સુરત સિવિલ હોસ્પિટલના વહીવટકર્તાઓની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments