પંચાયતી રાજ માટેના કેન્દ્ર સરકારના રિપોર્ટે ભાજપ સરકાર ડબલ એન્જિનની પોકળ વાતો ખુલ્લી પડી છે. કહેવાતા વિકાસ અને માત્ર પ્રચાર પાછળનું સત્ય સામે આવી ગયું છે. ભાજપ સરકારના રાજમાં પંચાયતી રાજની કથળતી હાલત અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના કહેવાતા ‘વિકાસ મોડેલ’ની કડવી હકીકતની પોલ ખુલી ગઈ છે. દેશને પંચાયતીરાજ આપનાર ગુજરાતને ટોપ-5માં સ્થાન નથી
પંચાયતી રાજની કામગીરીને રજૂ કરતા ‘ડિવોલ્યુશન ઈન્ડેક્સ 2024’માં ગુજરાત રાજ્યનું કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. પંચાયતી રાજ અહેવાલમાં મુખ્ય સૂચકાંકોનો ગુજરાત કુલ સ્કોર 58.3 જ્યારે કર્ણાટક 72.2 સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. દેશને પંચાયતીરાજ આપનાર ગુજરાત ટોપ-5માં સ્થાન નથી. સત્તાની ભૂખ અને કેન્દ્રીકરણથી ભાજપ સરકારે પંચાયતી રાજ ખતમ કરવાનું નક્કી કર્યું છે. 7000 જેટલી પંચાયતોમાં 2 વર્ષ સુધી ચૂંટણી ન યોજાઈ અને વહીવટદારો નિમવામાં આવ્યા. આ જ દર્શાવે છે કે, ભાજપ સરકાર પંચાયતરાજ થકી છેવાડાના લોકોને સત્તા હાથમાં આપવામાં કેટલી ગંભીર છે. પૂરતી આરોગ્ય સુવિધાઓના અભાવના કારણે નબળું પ્રદર્શન
અહેવાલ મુજબ રાજ્યમાં જમીન પરની હકીકત જુદી જ છે. ગુજરાત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અન્ય રાજ્યોની તુલનામાં પાછળ છે. આર્થિક વિકાસના દાવાઓ વચ્ચે રાજ્યમાં હજુ પણ પ્રશાસનિક નિષ્ફળતા અને આવશ્યક સેવાઓની અછતનો સામનો કરી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓને આપેલ સ્વાયત્તતા ઓછી છે, જે જમીની સ્તરે અસરકારક શાસનને અવરોધે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સુવિધાઓને અભાવ કારણે ગુજરાત આરોગ્ય સેવા વિતરણમાં પણ નબળું પ્રદર્શન દર્શાવે છે. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કેરળ અને તમિલનાડુની તુલનામાં પછાત
કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ જાહેર આરોગ્ય સંશોધન અને બૂનિયાદી માળખાકીય સુવિધાઓમાં ભારે રોકાણ કર્યું છે. જયારે રાજ્યમાં ડૉકટર-પેશન્ટ રેશિયો હજુ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. પરિણામે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કેરળ અને તમિલનાડુ જેવી રાજ્યોની તુલનામાં પછાત છે. પંચાયતી રાજ અહેવાલ 2024 અનુસાર સરકારી શાળાઓમાં સામાન્ય સુવિધાઓનો અભાવ છે અને ગામડામાં ડ્રોપ આઉટ દર ઊંચા છે. રોજગાર સર્જન યોજનાઓમાં પછાત છે
ગુજરાતમાં શાળા માળખાકીય સુવિધાઓ અને શિક્ષકોની ઉપલબ્ધતા બાબતે પણ કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. ઉદ્યોગવિકાસના દાવાઓ હોવા વચ્ચે ગુજરાતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે. ડિવોલ્યુશન ઈન્ડેક્સ 2024 દર્શાવે છે કે, ગુજરાત રોજગાર સર્જન યોજનાઓમાં પછાત છે અને સરકારની નીતિઓ બેરોજગારો માટે કઈ સારો ફાયદો આપી શકી નથી. રાજસ્થાન અને તેલંગાણાની સરખામણીમાં, ગુજરાતની રોજગાર યોજનાઓ ઓછી અસરકારક છે. ગુજરાત પંચાયતી રાજ સંસ્થાઓ માટે નાણાંકીય સ્વાયત્તતાના મામલે છેલ્લા સ્થાને છે. પંચાયત રાજ માટેની સ્થાનિક ચૂંટણીમાં વિલંબ એક ચિંતાજનક મુદ્દો છે. વિકાસ યોજનામાં 50.94 સ્કોર સાથે કેરળ શિખર પર છે. આર્થિક પ્રદર્શનમાં યૂનિયન ફાઇનાન્સ કમિશન (UFC) ગ્રાન્ટ્સમાં 55.1 સ્કોર જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે. રાજ્ય ફાયનાન્સ કમિશન (SFC) ફાળવણી મુદ્દે 50.03 જ સ્કોર જેમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. આવક એકત્ર કરવાની શક્તિ-રેવન્યુ બાબતે માત્ર 26.8 સ્કોર ઘટતી નાણાકીય સ્વાયત્તતા દર્શાવે છે. ગુજરાત રાજ્ય ફંડ ઉપલબ્ધતા 35.7, અને ખર્ચ 33.3 સ્કોર જ મેળવ્યો છે. સોશિયલ ઓડિટ અને પારદર્શિતામાં ગુજરાત 31.7 સ્કોર મેળવ્યો છે. રાજ્યની ભાજપ સરકારન મહત્વના મુદ્દાઓ જેવા કે શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભાજપ સરકારને લોકોને ભ્રમિત કરવાને બદલે હકીકતમાં કામગીરી કરે. ગુજરાતની જનતા માટે પારદર્શક અને સર્વસમાવિષ્ટ શાસન જરૂરી છે.