એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની બહેન મનારા ચોપરા એરપોર્ટ પર હંગામો મચાવતાં ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુસ્સામાં એરલાઇન સ્ટાફને ઠપકો આપતી જોવા મળી રહી છે. મનારાનો આરોપ છે કે, સમયસર પહોંચવા છતાં, તેને ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જ્યારે તેની પાછળ આવેલા અન્ય મુસાફરોને અંદર જવા દેવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો એરપોર્ટ પર હોબાળો મચાવવા બદલ મનારાની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક લોકો એરલાઇન્સ પર ગુસ્સે છે. મનારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે તે સમયસર એરપોર્ટ પહોંચી ગઈ હતી. તેની ફ્લાઇટ સવારે ૫ વાગ્યે હતી. જ્યારે તેણે 15 મિનિટ વહેલા ચેક-ઇન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એરપોર્ટ સ્ટાફે તેને ચેક-ઇન કરતા અટકાવી. સ્ટાફનું કહેવું હતું કે મનારા મોડી આવી હતી. મનારાએ વીડિયોમાં કહ્યું, ‘મિત્રો, મારી ફ્લાઇટ હતી. મારે એક કાર્યક્રમ માટે જયપુર જવાનું હતું. અહીં સ્ટાફ કો-ઓર્ડિનેટ કરી રહ્યો નથી. આ છોકરી છેલ્લી 10 મિનિટથી તેના મેનેજરને ફોન કરવાનો પ્રયાસ કરી રહી છે.’ મનારાના વીડિયોમાં દેખાતો સ્ટાફ મેમ્બર તેને કહી રહ્યો છે કે મેડમ તમે ફ્લાઇટ ચૂકી ગયા છો. આના જવાબમાં, મનારાએ કહ્યું છે કે, ના, મારી ફ્લાઇટ હજુ પણ ગ્રાઉન્ડેડ છે. મારા હાથમાં મારો સામાન છે અને હું ઘણા સમયથી અહીં બેઠું છું. આ લોકો સાંભળતા પણ નથી. જ્યારે મનારાને વારંવાર કહેવામાં આવ્યું કે તેની ફ્લાઇટ નીકળી ગઈ છે, ત્યારે તે ગુસ્સાથી બૂમ પાડવા લાગી અને કહેવા લાગી, ‘હું મારી ફ્લાઇટ ચૂકી નથી. તે સામે ઊભી છે. તમે મારી સામે 20 લોકોનો સામાન તેમાં ભરી દીધો છે. આ કેવા પ્રકારનું વર્તન છે? આ કેટલું ખરાબ છે કે ફ્લાઇટ મારી સામે ઊભી છે, હજુ 17 મિનિટ બાકી છે અને આ છોકરીઓનો સ્ટાફ વાહિયાત વાતો કરી રહ્યો છે. તે કોઈ મુસાફરને જવા દેતી નથી. સીટથી લઈને બધું જ બુક થયેલું છે. હું અહીં સામે બેઠી હતી અને આ લોકોએ મુસાફરોના નામ પણ જાહેર કર્યા ન હતા અને હવે તેઓ કહી રહ્યા છે કે અમે આ બધું નથી કરતા. હું સામે જ બેઠી હતી, પણ કોઈ આવીને મને પ્લેનમાં બોર્ડિંગ કરવાનું પણ કહ્યું નહીં.’ ‘થોડા સમય પછી, મનારાએ બીજો વીડિઓ શેર કર્યો. આમાં તેણે કહ્યું, હવે આ લોકો મને કહી રહ્યા છે કે અમે 4:45 વાગ્યે ફ્લાઇટ ટેક ઓફ કરી દીધી છે, તેથી જ અમે તમને અંદર લઈ જઈ શકતા નથી. એરલાઇન્સનું વર્તન આ છે કે ફ્લાઇટ પાંચ વાગ્યે હતી પણ ફ્લાઇટ પોણા પાંચ વાગ્યે ઉપાડી મૂકી. 4 દિવસ પહેલા પણ મારી સાથે આવું જ થયું હતું. તેમણે નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ વહેલાં જ ફ્લાઇ ઉડાડી મૂકી હતી. આ રીતે તેઓ મુસાફરો પાસેથી પૈસા કમાય છે. આ રીતે વ્યક્તિને એરપોર્ટ પર 3-3 કલાક બેસવું પડે છે. એવિએશન ટીમે જોવું જોઈએ કે તમે સમય પહેલાં ફ્લાઇટ કેવી રીતે ઉપાડી શકો. મનારાનો વીડિયો સામે આવ્યા બાદ, કેટલાક લોકો એરલાઇનના વલણ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે આ મામલે મનારાની ભૂલ છે.