અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચને સોમવારે રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા યુવકે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું. જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડયો હતો. આખરે પોલીસ આવતા તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી. છરો લઈને મારવા દોડતા લોકોએ ફટકાર્યો
હિમાલયા મોલ પાસેથી ગતરાતે 9.45 વાગ્યે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. પોલીસે આરોપીને ઝડપી બે ગુના નોંધ્યા
બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કારચાલક કોણ હતો અને ક્યાં દારૂ પીને આવ્યો હતો? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કાર સીધી ડિવાઇડરમાં ઘુસાડી દીધી
તો બીજી તરફ સુરતના સિંગણપોર વિસ્તારમાં ગઈકાલે(24 માર્ચ) રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. મહિલા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રોડની વચ્ચે રહેલા ડિવાઇડરમાં કાર ઘુસાડી દીધી હતી. જેના પગલે કારચાલક મહિલા અને કારમાં સવાર અન્ય એક મળી કુલ બે લોકોને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ સાથે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર અગાઉ 13 માર્ચ, 2025ની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક અને એક બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર