સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ કોન્ટ્રાક્ટરો દ્વારા ડિજિટલ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો એક કારચાલકે આક્ષેપ કર્યો છે. એક યુવક સુરત એરપોર્ટ ખાતે પોતાની પત્નીને લેવા માટે કાર લઈને ગયો હતો. ત્રણથી ચાર મિનિટમાં બહાર આવતા સમયે તેને રોકવામાં આવ્યો અને 30 રૂપિયા ચાર્જની માંગ કરવામાં આવી. જોકે ત્રણથી ચાર મિનિટમાં બહાર આવી ગયો હોવાથી તેણે ચાર્જ ચૂકવ્યો ન હતો અને એરપોર્ટની બહાર નીકળી ગયો હતો. દરમિયાન તે ઘરે પહોંચે તે પહેલા જ તેના ફાસ્ટટેગમાંથી 120 રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. આ મેસેજ આવતાની સાથે જ યુવક ચોકી ગયો હતો અને તેની સાથે થયેલી છેતરપિંડી અંગે પોતાની વ્યથા ઠાલવી હતી. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રહેતા અશ્વિન કેડિયા નામનો યુવક સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થતી ડિજિટલ લૂંટનો ભોગ બન્યો હતો. અશ્વિન કેડીયાએ જણાવ્યું હતું કે, મારી પત્નીને લેવા સુરત એરપોર્ટ ગયો હતો, 6.50 વાગ્યે અંદર ગયો, પાર્કિંગ સ્લિપ લીધું, 3- 4 મિનિટમાં બહાર આવ્યો (માત્ર પિક અપ માટે), એક્ઝિટ પાર્કિંગ બેરિયર પર એક ઈસમે ઊભા રહીને 30 રૂપિયા ચાર્જની માંગ કરી હતી. પૂછ્યું કે કેમ, તેણે કહ્યું કે ડ્રોપ ફ્રી છે અને પિકઅપ ચાર્જ 30 છે, મેં કહ્યું કે આવું ક્યાં લખ્યું છે, તેણે કહ્યું કે રેટ બોર્ડ પર બરાબર સામે, જેમાં મેં વાંચ્યું કે આવું કંઈ લખ્યું નથી. અશ્વિન કેડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્કિંગ કોન્ટ્રાકટરના માણસ દ્વારા ચુકવણીનો આગ્રહ રાખ્યો, જ્યારે મેં કહ્યું કે હું પૈસા ચૂકવવાનો નથી. એરપોર્ટ અધિકારીઓને ફોન કરો, ત્યારે તેણે કહ્યું કે ઠીક છે જાઓ, બહાર નીકળ્યા પછી મને એક SMS મળ્યો (જે મને વેસુ પહોંચતા ખબર પડી, કારણ કે હું ડ્રાઇવિંગ કરી રહ્યો હતો) તેઓએ ફાસ્ટ ટેગથી 120 રૂપિયા વસૂલ્યા છે..કેવા પ્રકારની છેતરપિંડી થઈ રહી છે, તે કલ્પના બહાર છે. કંઈક કરવાની જરૂર છે. કૃપા કરીને આ બાબતને ગંભીરતાથી લો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા પાર્કિંગ કોન્ટ્રાક્ટર ને આપવામાં આવ્યા બાદ રોજબરોજ નતનવી ફરિયાદો સામે આવી રહી છે. આ પહેલાં પણ આ પાર્કિંગ કોન્ટ્રાક્ટર વિવાદમાં આવી ચૂક્યો છે. એક્ઝિટ ગેટ પહેલા પાર્કિંગ ચાર્જ વસૂલવાને લઈને આ પહેલા પણ વિરોધ થઈ ચૂક્યો છે. પાર્કિંગ ચાર્જ વસૂલવાને લઈને ગાડીઓની લાંબી લાઈનો પણ લાગી ગયાના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. આ સાથે જ પીકઅપ અને ડ્રોપ નો સમય ની અંદર કાર ચાલક બહાર નીકળતા હોવા છતાં પણ તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતો હોવાને લઈને આપેલા પણ વિવાદ થઈ ચૂક્યો છે.