બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્ની સોનાલી સૂદ એક મોટા કાર અકસ્માતમાં માંડ માંડ બચી. આ અકસ્માત 24 માર્ચે મુંબઈ-નાગપુર હાઇવે પર થયો હતો. સોનાલી તેની બહેન અને ભાણેજ સાથે મુસાફરી કરી રહી હતી. સોનાલીનો ભાણેજ કાર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં સોનાલી અને તેના ભાણેજને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંનેને નાગપુરની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, સોનાલીની બહેનને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માતના સમાચાર મળતા જ સોનુ તેની પત્નીને મળવા નાગપુર પહોંચ્યો. ANI સાથે વાત કરતા, એક્ટરે તેમની પત્નીના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે માહિતી આપી. તેણે કહ્યું- હવે તે ઠીક છે. તે બચી ગઈ એ એક ચમત્કાર છે. ઓમ સાઈ રામ. અકસ્માત અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા, સોનુના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે સોનાલી અને તેનો ભાણેજ તેની બહેનને એરપોર્ટ પરથી લઈને પરત ફરી રહ્યા હતા. એટલામાં જ સામેની ગાડીએ વળાંક લીધો અને એક ટ્રક સામે આવી ગયો. તેનો ભાણેજ બ્રેક લગાવે તે પહેલાં જ અકસ્માત સર્જાયો. સોનુ સૂદે 1996માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા. બંનેના પ્રેમ લગ્ન થયા હતા. સોનુ પહેલી વાર સોનાલીને નાગપુરમાં મળ્યો હતો. બંનેને બે દીકરા છે, જેમનું નામ અયાન અને ઇશાંત છે. સોનાલી પાસે MBAની ડિગ્રી છે અને તે પ્રોફેશને પ્રોડ્યુસર છે. તે એક્ટરની ફિલ્મ ‘ફતેહ’ ની પ્રોડ્યુસર રહી ચૂકી છે. સોનુના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ફતેહ’માં જોવા મળ્યો હતો. કોવિડ પછી આ એક્ટર પોતાના સામાજિક કાર્ય માટે લોકોમાં વધુ લોકપ્રિય બન્યો છે.