પાટણ જિલ્લામાં મા અન્નપૂર્ણા યોજના (NFSA) હેઠળ રેશનિંગનો અનાજ જથ્થો મેળવવા માટેની અરજીઓનો નિકાલ થતો નથી. અરજદારોએ નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે મામલતદાર કચેરીમાં અરજીઓ જમા કરાવી છે. NFSA કમિટીની બેઠક છેલ્લા ત્રણ મહિનાથી મળી નથી. આ કારણે મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ છે. અરજદારોને વારંવાર મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે છે. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ તાલુકાના મામલતદારોને સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. મામલતદાર કચેરીએ અરજીઓ અંગે લેવાયેલા નિર્ણયની જાણ અરજદારોને કરવાની હોય છે. જો કે, મામલતદાર કચેરી દ્વારા આ સૂચનાનું પાલન થતું નથી. નરેશ પરમારના જણાવ્યા મુજબ, આ કારણે લાભાર્થીઓને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે.