ગઈકાલે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો હતો કે બોલિવૂડ સિંગર સોનુ નિગમના કોન્સર્ટમાં જબરદસ્ત હંગામો થયો હતો. તેના પર હાજર લોકોએ પથ્થરો અને બોટલોથી હુમલો કર્યો. જોકે, હંગામાની હકીકત જણાવતા સિંગરે આ પ્રકારના દાવાને ફગાવી દીધા છે. તેણે ખુલાસો કરતા કહ્યું કે- કોઈએ સ્ટેજ પર વેપ (એક પ્રકારની ઇલેક્ટ્રોનિક સિગારેટ) ફેંક્યું હતું. ત્યારબાદ સિંગરે શો રોકીને હાજર લોકોને સલાહ આપી, આ પ્રમાણેનો ધટનાક્રમ સિંગરે પોતે કહ્યો. સોનુ નિગમે હંગામાની હકીકત જણાવી
ગઈકાલે દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ‘એન્જીફેસ્ટ 2025’માં સોનુ નિગમનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. જેને લઈ સમાચાર આવ્યા કે લાઈવ કોન્સર્ટ દરમિયાન સોનુ નિગમ પર પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી હતી. આ મામલે સિંગરની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કોન્સર્ટ વિશે એક પોસ્ટ શેર કરી છે. જેમાં સમગ્ર ઘટનાની ફોડ પાડી છે. સોનુ નિગમે પોસ્ટમાં લખ્યું- કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે DTU કોન્સર્ટમાં પથ્થરો કે બોટલ ફેંકવાની ધટના બની હતી, હકીકતમાં આવું કંઈ થયું નથી. કોઈએ સ્ટેજ પર વેપ (એક પ્રકારની ઇલેક્ટ્રોનિક સિગારેટ) ફેંક્યું, જે શુભંકરને છાતીના ભાગે વાગ્યું અને ત્યારે જ મને તેના વિશે કહેવામાં આવ્યું. મેં શો રોક્યો અને કોલેજના લોકોને વિનંતી કરી અને યાદ અપાવ્યું કે- જો આવું કંઈક ફરી થશે, તો શો અચાનક બંધ કરવો પડશે. આ પછી સ્ટેજ પર ફક્ત એક જ વસ્તુ ફેંકાઈ હતી જે પૂકી હેર બેન્ડ હતી. જે ખરેખર પૂકી (આ શબ્દનો ઉપયોગ પ્રેમ, દિલની લાગણીને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે) હતું. સોનુ નિગમ પર પથ્થરો-બોટલો ફેંકાયાની વાત ખોટી છે
સોનુ નિગમની પ્રતિક્રિયા આવી તે પહેલા, કોન્સર્ટના સંદર્ભે એવી વાતો ચાલી રહી હતી કે, ત્યાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓની ભીડ એકઠી થઈ હતી. સોનુ નિગમ પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ પછી, તેણે ગાવાનું બંધ કરી દીધું. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, સોનુ નિગમે વિનંતી કરી હતી કે- હું અહીં તમારા માટે આવ્યો છું જેથી આપણે બધા સાથે સારો સમય વિતાવી શકીએ. હું તમને મજા કરવાની ના નથી કહી રહ્યો, પણ કૃપા કરીને આવું ના કરો. સોનુએ એમ પણ કહ્યું કે ભીડના આ પ્રકારના વર્તનથી તેની ટીમના સભ્યોને ઈજા થઈ રહી છે. અનેક સેલેબ્સ આવી ઘટનાઓનો ભોગ બન્યા છે
સોનુ નિગમ પહેલા પણ ઘણા સેલેબ્સ આવી ઘટનાઓનો ભોગ બન્યા છે. આમાં અમેરિકન સિંગર બિલી આઈલિશ, રેપર કાર્ડી બીથી લઈને ભારતીય સિંગર સુનિધિ ચૌહાણ અને કરણ ઔજલા સુધીની ઘણી હસ્તીઓનો સમાવેશ થાય છે. આ પહેલી વાર નથી જ્યારે સોનુ નિગમ વિશે આવા સમાચાર બહાર આવ્યા હોય. અગાઉ પણ તેના વિશે આવી વાતો સામે આવી હતી, જેની તેણે સખત નિંદા કરી હતી. સિંગરે તેની કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયાં છે
‘તેરા મિલના પલ દો પલ કા’, ‘દિવાના તેરા’, ‘અભી મુઝ મે કહી’, ‘યે દિલ દિવાના’ જેવાં અનેક સુપરહિટ ગીતો ગાયાં છે. સોનુ નિગમે તેની 3 દાયકાની કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયાં છે. તેને અત્યાર સુધીમાં બે વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનુને ફિલ્મ ‘કલ હો ના હો’ ના ટાઈટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે.