અમદાવાદમાં 13 માર્ચે હોળીની રાત્રે ગુંડાઓએ રોડ પર આતંક મચાવી જે સામે મળ્યા તેમને તલવારો અને ધોકા વડે માર્યા. તહેવારો વચ્ચે પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના દાવા પોકળ સાબિત થયા અને પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ. તાબડતોડ DGPના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ ગુનેગારોની યાદી બનાવીને તેમના ગેરકાયદે બાંધકામો તોડાવી વાહવાહી લૂંટવાના કામે લાગી ગઈ. પણ એક કહેવત છે ને કે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ તેમ બરાબર આ ઘટનાના 11માં દિવસે એટલે કે 24 માર્ચને સોમવારની રાત્રે વસ્ત્રાલની બાજુમાં જ આવેલા બાપુનગરમાં એક આશાસ્પદ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ઘટનામાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે બાપુનગર વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં ફરતી પોલીસની PCR ઘટનાસ્થળની બાજુમાં જ હતી. પરંતુ PCR રોડ પર પાર્ક હતી અને પોલીસ કર્મચારીઓ ફૂટપાથ પર મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હતા. યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી વીડિયો બનાવીને પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી હતી. હાલ આ મામલે યુવકનું મર્ડર થયુ છે તે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવકનું ઘટનાસ્થળે મોત
ગઈકાલે(23 માર્ચ) મોડીરાત્રે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. પાંચ માથાભારે તત્ત્વોએ બે યુવક પર છરી વડે હુમલો કર્યો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા યુવકની હાલત નાજુક થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિજય-પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતાં બબાલ થઈ હતી
બાપુનગરમાં કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે મોડીરાત્રે વિજય અને પ્રિયેશ નામના બે યુવકો બેઠા હતા. દરમિયાન પાંચ યુવકો ત્યાં આવ્યા હતા અને બંને મિત્રો પર હુમલો કરી દીધો હતો. એમાં વિજયનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પ્રિયેશની હાલત નાજુક છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મોડીરાત્રે બંને મિત્રો કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે બેઠા હતા ત્યારે પાંચેય શખસ બેફામ ગાળો બોલી રહ્યા હતા. વિજય અને પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. વિજય નરોડામાં રહે છે, બે દિવસ પહેલાં જ બાપુનગરમાં સંબંધીના ઘરે રહેવા આવ્યો હતો
જોતજોતાંમાં પાંચેય શખસે વિજય અને પ્રિયેશ પર હુમલો કરી દીધો હતો. એમાં વિજયનું મોત થયું હતું. વિજય નરોડામાં રહે છે અને બે દિવસ પહેલાં બાપુનગરમાં કોઈ સંબંધીના ઘરે રહેવા માટે આવ્યો હતો. જ્યારે પ્રિયેશ બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે. વિજયે ઠપકો આપતાં ઝઘડો થયો હતો
મોડીરાત્રે જયસિંહ અને તેના મિત્રો ગાળો બોલી રહ્યા હતા, જેમાં વિજયે ઠપકો આપ્યો હતો. વિજયે ઠપકો આપતાં જયસિંહ સહિતના લોકોએ બબાલ શરૂ કરી દીધી હતી અને એકાએક હુમલો કર્યો હતો. વિજયનું ઘટનાસ્થળે મોત થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ મોડીરાત્રે જ પાંચ આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તજવીજ શરૂ કરી છે. પ્રિયેશને માથામાં ઈજા થતાં 22 ટાંકા આવ્યા
પ્રિયેશને માથામાં ઈજા થતાં 22 ટાંકા આવ્યા છે અને તેની હાલત નાજુક છે. ઉલ્લેખનીય છે કે જયસિંહ પ્રિયેશના બનેવીને ગાળો ભાંડી રહ્યો હતો, જેને લઇને મામલો બિચક્યો હતો. જયસિંહે વિજયની છાતીમાં છરીનો ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. જ્યારે પ્રિયેશ તેને બચાવવા વચ્ચે પડતાં માથામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. હત્યા મામલે 5 શખસની ધરપકડ
વિજયની હત્યાની જાણ થતાંની સાથે બાપુનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વિજયની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી, જ્યારે પ્રિયેશને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યા તેની હાલત નાજુક છે. બાપુનગર પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિજય હત્યાકેસમાં હર્ષદ સોલંકી, ભદ્રેશ ઉર્ફે બંટી સોલંકી, હિંમત ઉર્ફે પિન્ટુ, ગણપત સોલંકી અને જયસિંહની તાત્કાલિક ધરપકડ કરી લેવાઈ છે. પોલીસકર્મચારીઓ ખાટલામાં સૂતા હતા
આ દરમિયાન પોલીસની બે વાન તેમજ સ્ટાફ ઘટનાસ્થળે ફરજ બજાવી રહ્યો હતો. આખી રાત બંદોબસ્તની કામગીરી વચ્ચે તેઓ ખાટલો પાથરીને ઘટનાસ્થળે સૂઈ ગયા હતા. પોલીસકર્મચારીઓ સૂઈ રહ્યા હતા ત્યારે કિન્નરો તેમના મળતિયા સાથે આવી પહોચ્યા હતા અને બેફામ ગાળો બોલી માથાકૂટ કરી હતી. કિન્નરોએ પોલીસને બેફામ ગાળો બોલી વીડિયો પણ ઉતાર્યો હતો. વિજયના સમર્થનમાં કિન્નરોએ તેમના મળતિયાઓ સાથે હલ્લાબોલ કર્યો હતો. શું આ અમદાવાદમાં રહેવું સુરક્ષિત છે હવે?
અમદાવાદમાં એક તરફ હોલિકાદહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યાં હતાં તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા છે. આ મામલે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં જાહેરમાં યુવક પર દંડાવાળી
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા નિહાર ઠાકોર ગઈકાલે રાત્રે કલ્યાણ જ્વેલર્સ પાસે એક્ટિવા પર જતો હતો. તે સમયે તેને રોકીને બે શખસોએ ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ બંનેએ નિહારની એક્ટિવા પર લાકડી મારી હતી જેમાં નિહાર નીચે પડી ગયો હતો. સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ તેમજ અન્ય એક વ્યક્તિએ ભેગા મળીને યુવકને માર મારવાનો શરૂ કરી દીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર