back to top
Homeગુજરાતગુજરાતના 2 પોલીસકર્મી અને 1 ડ્રાઇવરનું હરિયાણામાં અકસ્માતમાં મોત:કોન્સ્ટેબલની સોમવારે બદલી ને...

ગુજરાતના 2 પોલીસકર્મી અને 1 ડ્રાઇવરનું હરિયાણામાં અકસ્માતમાં મોત:કોન્સ્ટેબલની સોમવારે બદલી ને બુધવારે મોત મળ્યું, મૃતક હોમગાર્ડના ઘરની બાજુમાં જ લગ્નપ્રસંગ

હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે (26 માર્ચ) ભારતમાલા રોડ પર એક મોટો અકસ્માત થયો હતો. ગુજરાત પોલીસની બોલેરો ગાડી (GJ 18 JB 7819) એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઇવરનું મોત થયું છે, જ્યારે PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવીન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અક્સ્માતના સમાચાર મળતાં જ ACP આઇ ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે. કોન્સ્ટેબલની સોમવારે ટ્રાફિકમાં બદલી થઈ ને બુધવારે સવારે મોત મળ્યું
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત 8 વર્ષથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસ અગાઉ તેમની રામોલથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે તેમની ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. પરંતુ છૂટા કરવામાં આવ્યા નહોતા. જો કે આજે(26 માર્ચ, 2025) વહેલી સવારે અકસ્માતમાં તેમનું મોત થયું છે. તેમનું પ્રથમ પોસ્ટિંગ 2017માં રામોલ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યું હતું. તે અમરાઈવાડી પોલીસ લાઈનમાં તેમના બહેન સાથે રહેતા હતા. તેમના બહેન પણ સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા હતા. જ્યારે માતા-પિતા તેમના વતન તાપી ખાતે રહે છે. સુનિલ ગામિત અપરણિત છે. આ અકસ્માતમાં ઘનશ્યામ ભરવાડ નામના ખાનગી ડ્રાઇવરનું પણ મોત થયું છે. ઘનશ્યામ ભરવાડ સીટીએમ ભરવાડવાસ ખાતે તેમની પત્ની, નાના બાળકો અને તેમના માતા-પિતા સાથે રહે છે. તેમને પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે બહારગામ ગાડી ચલાવવા લઈ જવામાં આવતા હતા. અકસ્માતમાં હોમગાર્ડ જવાન રવિન્દ્ર ક્ષત્રિયનું પણ મોત થયું છે. તેઓ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની,બાળકો અને માતા છે. તેઓ સિંગરવા ગામના સોમનાથ પાર્કમાં રહે છે. તેમના પડોશીના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમના પરિવારને અન્ય સ્વજનોના ઘરે લઈ જવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત PSI જયેન્દ્રસિંહ સોલંકીના ઘરે પહોંચ્યું દિવ્ય ભાસ્કર
હરિયાણામાં રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત PSI જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોલંકીના ઘરે દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. નવા નરોડા સ્થિત વ્હાઈટ એલીગન્સ ફ્લેટના એ-502માં તેમના પિતરાઈ ભાઈ જીતેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમને રામોલ પોલીસ સ્ટેશન ખાતેથી અકસ્માતની માહિતી મળી હતી. વહેલી સવારે અમે PI સાહેબનો સંપક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે અને ગુજરાત પોલીસની ટીમ હરિયાણા જવા રવાના થઈ છે. પરિવારજનોને હરિયાણા જવા માટે મનાઈ કરવામાં આવી છે. ડીસીપી સાહેબ પી. એલ. સાહેબ સહિતના લોકો હરિયાણા જવા રવાના થયા છે. હાલમાં તેમની સ્થિતિ અંગે ફક્ત રામોલ પોલીસ સ્ટેશન દ્વારા જ અમને માહિતી મળી રહી છે. મારા ભાઈ સાથે હજુ સુધી કોઈ પ્રકારની વાતચીત થઈ નથી. અમને જણાવવામાં આવ્યું છે કે તેમને હાથ પગના ભાગે ફ્રેક્ચર થયું છે અને મોઢા પર થોડી ઈજાઓ પહોંચી છે. વેડિંગ ખેડા પહોંચતાં જ એક અજાણ્યા વાહન સાથે ગાડી અથડાઈ
મળતી માહિતી મુજબ, આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની ગાડી વેડિંગ ખેડા પહોંચતાં જ એક અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘટનાસ્થળથી એક પંજાબની નંબરપ્લેટ મળી
સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મપ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, ડબવાલી સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળેથી અકસ્માતના વાસ્તવિક કારણ વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે. ગુજરાત પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. ડબવાલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ 2 પોલીસકર્મી અને એક ડ્રાઇવરને મૃત જાહેર કર્યા. આ પછી તેમના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા હતા. એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોક્સોના કેસની તપાસ માટે જતા હતા
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ સોલંકી સાથે પોકસો કેસની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા. આ તપાસ માટે તેઓ સરકારી ગાડી લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગુજરાત પોલીસ હરિયાણા પોલીસના સંપર્કમાં
આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવને કારણે પોલીસ બેડામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. 3નાં મોત અને PSI ઈજાગ્રસ્ત
રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મોરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા પોલીસકર્મચારીઓ સાથે આ ઘટના બની છે અને હરિયાણા નજીક આ બનાવ બનતાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે ઈજાગ્રસ્ત પીએસઆઇની સારવાર ચાલી રહી છે. અક્સ્માત સ્થળની તસવીર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments