વડોદરા શહેરમાં દારૂની બોટલો સાથે ચાર શખસો મહેફિલ માણતા હોય એવો વીડિયો વાઈરલ થયો હતો. જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. કુંભારવાડા પોલીસે 3 શખસોને ઝડપી પાડ્યા હતા અને ત્રણેયને બાપોદ પોલીસને સોંપ્યા હતા. બાપોદ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બાળકને પણ દારૂની બોટલ હાથમાં પકડાવી
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વડોદરામાં સામે આવ્યો છે. આ વીડિયોમાં 4 શખસો દારૂની બોટલો સાથે બેઠા છે અને બોલે છે કે, લે લે મજા… ફૂલ એન્જોય… જીન કોભી લે કે જાના સાથી તુરંત લેજાઓ… આ સમયે બાળકના હાથમાં પણ દારૂની બોટલ હોય છે. આ શખસોએ પોતે તો દારૂની બોટલ હાથમાં રાખી હતી પરંતુ બાળકને પણ દારૂની બોટલ હાથમાં પકડાવી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. ચારેય શખસોએ દારૂની મહેફિલ પણ માણી
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વડોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કુંભારવાડા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપ્યા હતા. બાપોદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયોમાં આરોપીઓ પાસે એકથી વધુ દારૂની બોટલ હતી. જેથી આ લોકો દારૂ વેચવા માટે લાવ્યા હોવાનું લાગી રહ્યું છે. સાથે સાથે સોડાની બોટલ અને નાસ્તાના પડીકા પણ જોવા મળે છે. જેથી તેઓ દારૂની મહેફિલ કરી રહ્યા હોવાનું પણ લાગે છે. પોલીસે ત્રણ શખસોને ઝડપી પાડ્યા
આ વીડિયો બાપોદ વિસ્તારમાં આવેલા પીળા વુડાના મકાનમાં કલ્લુસિંગ ખજાનસિંગ અંધ્રોલીના ઘરે બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બાપોદ પોલીસે શમશેરસિંગ હરજીતસિંગ દુધાણી (ઉ.વ. 30, રહે. નહેરૂચાચા નગર, મહાકાળી મંદિર પાસે, ખોડિયારનગર ચાર રસ્તા, વડોદરા) કાલુસિંગ ચરણસિંગ દુધાણી (રહે. ભુડવાડા વારસીયા, વડોદરા) અને મહેન્દ્રસિંહ ઉર્ફે કલ્લુસિંગ ખજાનસિંગ અંધ્રોલી (રહે. પીળા વુડા વૈકુંઠની સામે, બાપોદ, વડોદરા)ને ઝડપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં આ પહેલાં પણ દારૂની મહેફિલના વીડિયો વાઈરલ થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો વીડિયો વાઈરલ થતા દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.