વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર શાલીગ્રામ સોસાયટીમાં રહેતી અને અલગ અલગ સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી બે પરપ્રાંતીય રૂમ પાર્ટનર યુવતીઓએ દારૂનો નશો કર્યો બાદ તાયફો મચાવ્યો હતો. જેમાં એક યુવતી જાતે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરતાં અકોટા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને યુવતીઓને નશો કરેલી હાલતમાં ધરપકડ કરી હતી. વડોદરા શહેરના જુના પાદરા રોડ પર બેન્કર્સ હોસ્પિટલ પાછળ શાલીગ્રામ સોસાયટીમાં રહેતી બેટીરુંગ પદમાસીંગ રેંગ (મૂળ રહે. ઈસ્ટ ભંડારિમા, નોર્થ ત્રિપુરા) અને રોજમેરી કોહતાઉહા (મૂળ રહે. વેંગાલીયા તેલબુમ, મિઝોરમ) વડોદરા શહેરના સેવાસી ગોત્રી રોડ પર તેમજ પીએફ ઓફિસ પાસેના સ્પામાં મસાજ થેરાપિસ્ટનું કામ કરે છે. આ બંને રૂમ પાર્ટનર યુવતીઓએ ગત રાત્રે દારૂનો નશો કર્યો હતો. જેમાં બાદ બંનેની વચ્ચે બોલાચાલી થતાં છુટા હાથની ઝપાઝપી થઈ હતી અને બંનેએ બુમરાણ મચાવી તાયફો મચાવ્યો હતો. આ દરમિયાન રોજમેરીએ રાત્રે અઢી વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે, મારી રૂમ પાર્ટનર દારૂ પીને ઝઘડો કરી રહી છે. આ અંગેની અકોટા પોલીસ મથકમાં જાણ કરાતા જ પોલીસ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં રૂમમાં હાજર બંને યુવતીઓએ દારૂનો નશો કર્યો હોવાની જાણ થતાં પોલીસે બંને થેરાપિસ્ટ યુવતીઓની દારૂબંધીના ગુનામાં ધરપકડ કરી હતી.