ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સલમાન ખાનને લાંબા સમયથી ધમકીઓ મળી રહી છે. વર્ષ 2018માં, જોધપુર કોર્ટમાં હાજર થયો હતો ત્યારે લોરેન્સે પહેલીવાર કહ્યું હતું કે તે એક્ટરને મારી નાખશે. તેમના આ નિવેદનથી ઈન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ છવાય ગયો હતો. આ પછી ધમકીઓનો સિલસિલો આજ સુધી ચાલુ જ રહ્યો છે. ગયા વર્ષે, એક્ટરના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ધમકીઓ પર સલમાન ખાને મૌન તોડ્યું
1998ના કળિયાર કેસના સંબંધમાં બિશ્નોઈ ગેંગ સલમાનની પાછળ પડી છે. જ્યારે ‘ભાઈજાન’ના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની પબ્લિકમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે લોકો વધુ ડરી ગયા હતા. આ પછી, સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેણે કડક સુરક્ષા વચ્ચે ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કર્યું. આવી સ્થિતિમાં હવે ‘સિકંદર’ની રિલીઝ પહેલા, એક્ટરે આ ધમકીઓ વિશે વાત કરી છે. તાજેતરમાં ‘સિકંદર’ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી, જેમાં હિરો-હિરોઈન સહિત ફિલ્મની આખી ટીમ પણ હાજર રહી હતી. આ દરમિયાન સિકંદરે (સલમાન ખાન) મીડિયા સાથે વાતચીત કરી જેમાં તેણે લોરેન્સ બિશ્નોઈ તરફથી મળી રહેલી ધમકીઓ વિશે વાત કરી. એક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે- શું તે લોરેન્સ ગેંગ તરફથી મળતી ધમકીઓથી ડરે છે? આ પ્રશ્નનો જવાબ આપતા એક્ટરે કહ્યુ- ભગવાન, અલ્લાહ એક જ સમાન છે. જીવનમાં જેટલી ઉંમર લખી હશે, એટલું જીવીશું. સલમાન સુરક્ષા વિશે આગળ કહે છે કે- ક્યારેક આટલી મોટી સુરક્ષા ટીમ સાથે ચાલવું પણ એક મોટી સમસ્યા બની જાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળ્યા બાદ સલમાન ખાનને Y પ્લસ સુરક્ષા મળી હતી. આ અંગે એક્ટરે કહ્યું કે જ્યારે તે પ્રેસ સાથે હોય છે ત્યારે તેને કોઈ ચિંતા નથી. પરંતુ, તે પ્રેસ વગર હોય છે. સલમાન તેનું રૂટિન જણાવતા કહે છે કે અત્યારે તો ઘરેથી શૂટ અને શૂટથી ઘરે આ રીતે જીવન ચાલી રહ્યું છે. સંજય-સલમાનની જોડીનું રિયુનિયન થશે
આગળ સલમાન ખાને ફેન્સને એક સારા સમાચાર આપી સરપ્રાઈઝ કર્યા હતા. ‘ચલ મેરે ભાઈ’ અને ‘સાજન’ જેવી ફિલ્મોમાં સલમાન ખાન અને સંજય દત્તે શાનદાર કેમિસ્ટ્રી બતાવી હતી. સ્ક્રીન પર અને સ્ક્રીન બહાર તેની કેમિસ્ટ્રી હંમેશા શાનદાર જ રહી છે. ફરી એકવાર આ જોડીનું રિયુનિયન થશે. પ્રેસ કોન્ફરન્સમાં એક્ટરે જ આ વાતની પુષ્ટિ કરી હતી કે તે સંજય દત્ત સાથે એક ફિલ્મ કરશે. એક્ટરે કહ્યું કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, તેથી તેણે ફિલ્મના પ્લોટ અને અન્ય વિગતો વિશે વધુ માહિતી આપી ન હતી. જો કે, આ એક મોટી એક્શન ફિલ્મ હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો. મીડિયા સાથેની આ વાતચીત દરમિયાન, સલમાને એ પણ પુષ્ટિ આપી કે તેની પાસે બે ફિલ્મો છે. સંજય સાથેની એક ફિલ્મ ઉપરાંત, તે સૂરજ બડજાત્યા સાથે એક ફિલ્મ કરવા માટે તૈયાર છે. સલમાન અને સૂરજના રિયુનિયનની ફેન્સને આતુરતાથી રાહ રહેશે. આ ડિરેક્ટર અને એક્ટરની જોડીએ ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન…’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મો આપી છે. સલમાનની ગૌરી ક્યારે આવશે?
વાતચીત દરમિયાન, સલમાનને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હવે તે પોતાની ‘ગૌરી’ ક્યારે લાવશે. આ પ્રશ્ર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે બોલિવૂડમાં ત્રણ ખાનની જોડી ખૂબ જ ફેમસ છે શાહરુખ, સલમાન અને આમિર. એવામાં જોવા જઈ તે શાહરુખની પત્નીનું નામ ગૌરી છે, આમિરે હાલમાં જ તેની ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો જોગાનુજોગ તેનું નામ પણ ગૌરી જ નીકળ્યું. એટલા માટે સલમાન ખાનને ‘ગૌરી’ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો. જેનો હસતાં-હસતાં એક્ટરે જવાબ આપ્યો કે બીજા ઘણા નામની સ્ત્રીઓ દુનિયામાં છે. ‘સિકંદર’ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ સિકંદર 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન એઆર મુરુગાદોસે કર્યું છે, જેમણે ‘ગજની’ બનાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે કાજલ અગ્રવાલ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 25 માર્ચથી શરૂ થઈ ગયું છે.