વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામના તળાવમા બકરાંઓને પાણી પીવડાવી રહેલી વૃદ્ધાને મગર ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને જરોદ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને મહિલાને મગરના મોઢામાંથી છોડાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, મગરે મહિલાને જડબામાં જકડીને તળાવમાં ફરી રહ્યો છે. વૃદ્ધા બકરાને પાણી પાવા ગયા હતાં
મળેલી માહિતી પ્રમાણે, હાંસાપુરા ગામમાં રહેતા 72 વર્ષીય જીવીબેન ઇશ્વરભાઇ રાઠોડીયા ગામના તળાવના કિનારે બકરાં ચરાવી રહ્યા હતા. દરમિયાન તેઓ બકરાંઓને તળાવમાં પાણી પીવડાવવા માટે લઇ ગયા હતા. તે સમયે વિશાળકાય મગર વૃદ્ધાને તળાવમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને જરોદ પોલીસ સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. મહિલાને જડબામાં લઈને ફરતા મગરનો વીડિયો વાઇરલ
વૃદ્ધાને જડબામાં લઇ તળાવમાં ફરી રહેલા મગરને જોવા ગામ લોકો તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. ગામ લોકોએ પણ મગરના જડબામાંથી વૃદ્ધાને મુક્ત કરાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. હાલ વૃદ્ધાને જડબામાં લઈ તળાવમાં ચક્કર લગાવતા મગરના વાઇરલ થયેલા વીડિયોએ ચકચાર જગાવી મૂકી હતી. પોલીસે તપાસ શરૂ કરી
દરમિયાન વન વિભાગ અને જરોદ પોલીસે ગામ લોકોની મદદ લઇ તળાવની ઝાડીમાં મગરના જડબામાં રહેલા મહિલાના મૃતદેહને મુક્ત કરાવી બહાર કાઢ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે જરોદ પોલીસે તપાસ કરી રહી છે.