એક્ટર અને સાંસદ રવિ કિશને કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં પોલીસ કર્મચારીની ભૂમિકા ભજવી હતી. પહેલા એવા સમાચાર આવ્યા કે આમિર ખાન આ ભૂમિકા ભજવવા માગતો હતો. આ માટે તેણે ઓડિશન પણ આપ્યું હતું. ફિલ્મના ડિરેક્ટર કિરણ રાવે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે આમિર ખાનના ઓડિશનના ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો જોયા પછી, યુઝર્સ કિરણ રાવના વખાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે કિરણે આ ભૂમિકામાં તેના પૂર્વ પતિ અને ફિલ્મના પ્રોડ્યુસર આમિરને ન લઈને સારું કર્યું છે. આ ભૂમિકા માટે રવિ કિશન એકદમ યોગ્ય પસંદગી હતા. આ ઓડિશન ટેપ 26 માર્ચે આમિરની નવી યુટ્યૂબ ચેનલ આમિર ખાન ટોકીઝ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં એક્ટર પોલીસ યુનિફોર્મમાં પાન ચાવતો જોવા મળે છે. તે એક ડેસ્ક પર બેઠો છે અને ફિલ્મની કેટલીક લાઈન બોલતો જોવા મળે છે. ઓડિશન રીલમાં કેટલાક બ્લૂપર (ફિલ્મ, ટેલિવિઝન કાર્યક્રમ અથવા વીડિયો પ્રોડક્શનમાંથી એક ટૂંકી ક્લિપ, સામાન્ય રીતે કાઢી નાખવામાં આવેલો સીન હોય છે, જેમાં કલાકારો અથવા ક્રૂના સભ્ય દ્વારા કરવામાં આવેલી ભૂલ હોય છે) સીન હતા. આમાં, SI શ્યામ મનોહરનું પાત્ર આમિરના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવ્યું છે. શ્યામ મનોહરના પાત્ર માટે આમિરે એક અલગ જ બોડી લેંગ્વેજનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ ‘લપતા લેડીઝ’ ડિસેમ્બર 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નવા કલાકારો સ્પર્શ શ્રીવાસ્તવ, નિતાંશી ગોયલ અને પ્રતિભા રંતા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં 90ના દાયકાના ગ્રામીણ ભારતમાં બે કન્યાઓની અદલાબદલીની સ્ટોરી દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો બંનેએ ખૂબ પસંદ કરી હતી. ‘લાપતા લેડીઝ’ ફિલ્મને ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કર માટે મોકલવામાં આવી હતી. તાજેતરમાં આ ફિલ્મે IIFA એવોર્ડ્સમાં 10 એવોર્ડ જીત્યા છે. રવિ કિશનને SI શ્યામ મનોહરની ભૂમિકા માટે બેસ્ટ કો-એક્ટરનો એવોર્ડ મળ્યો છે.