કન્નડ ફિલ્મોની એક સમયની એક્ટ્રેસ રાન્યા રાવ ચર્ચામાં છે. માર્ચ મહિનાની શરૂઆતમાં બેંગલુરૂના એરપોર્ટ પરથી 12 કરોડ રૂપિયાના સોના સાથે ઝડપાઈ. એ હિરોઈન તો હતી જ, પણ કર્ણાટકના DGPની સાવકી પુત્રી પણ છે એટલે આ કેસ વધારે ચર્ચામાં આવ્યો. તેણે ત્રણ-ત્રણ વાર જામીન માટે કોર્ટમાં અરજી કરી પણ ત્રણેય વાર જામીન ફગાવી દેવામાં આવી. DRIની ભલામણથી આ કેસ CBI હેન્ડલ કરે છે. બની શકે કે આમાં ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના કોઈ મોટા રેકેટનો પર્દાફાશ થાય. નમસ્કાર, રાન્યા રાવ એક વર્ષમાં 30 વાર અને 15 દિવસમાં ચાર વખત દુબઈ જઈ ને બેંગલુરૂ આવી. બેંગલુરૂ-દુબઈ વચ્ચે અપ-ડાઉન કરતી હોય એ રીતે સફર કરતી. આનાથી તે DRIના રડારમાં હતી. એવામાં ઈનપુટ મળ્યા કે રાન્યા સોના સાથે બેંગલુરૂ ઉતરવાની છે એટલે DRIએ પકડી પાડી. આ આખો કેસ હવે કર્ણાટક સરકારની નિષ્ફળતા પર જતો રહ્યો છે. ભાજપે સિદ્ધારમૈયા સરકાર પર માછલાં ધોયા છે. હિરોઈનના સાવકા પિતા DGPને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. જામીન માટે હવાતિયાં મારતી પડદા પરની હિરોઈન તો ચહેરો છે. તેને મોહરું બનાવીને કોણ સ્મગલિંગ કરાવતું હતું તેની પડદા પાછળ તપાસ ચાલી રહી છે. શું છે આખી ઘટના?
ઘટના 24 દિવસ પહેલાંની છે. 3 માર્ચે કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ દુબઈથી ભારત આવી હતી. અમિરાતની ફ્લાઈટમાં તે બેંગલુરૂના કેંપેગોડા એરપોર્ટ પર પહોંચી તો તરત તેની ધરપકડ કરી લેવામાં આવી. આરોપ એવો હતો કે રાન્યા દુબઈથી 14 કિલો સોનાની તસ્કરી કરી રહી હતી. તેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા થતી હતી. તેનું બોડી સ્કેનિંગ કરવામાં આવ્યું તો શરીર કમર અને સાથળના ભાગે ચોટાડેલી સોનાની લગડીઓ મળી આવી. રાન્યા રાવે જે કપડાં પહેર્યાં હતા તેના પર સોનાની પરત ચડેલી હતી. DRIને ઈનપુટ મળ્યા હતા કે કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલી છે. તેના આધારે DRIએ રાન્યા રાવ પર વોચ રાખી હતી. રાન્યાને ઈકોનોમિક ઓફેન્સિસ કોર્ટમાં રજૂ કરવામાં આવી. એ પછી તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. DRIએ મીડિયાને જણાવ્યું હતું કે, રાન્યાએ વારંવાર વિદેશ યાત્રા કરી હતી. છેલ્લા એક વર્ષમાં 30 વાર અને 15 દિવસોમાં તે ચાર વખત દુબઈ ગઈ હતી. એટલે તે રડારમાં તો હતી જ. રાન્યાએ કસ્ટમની તપાસથી બચવાની પણ કોશિશ કરી. તેણે પોતાના ‘છેડા’ બધી જગ્યાએ છે તેવી વાત કરવાનો પણ પ્રયાસ કર્યો. રાન્યાએ બેંગલુરૂ એરપોર્ટથી એસ્કોર્ટ લેવા માટે લોકલ પોલીસનો પણ કોન્ટેક્ટ કર્યો હતો. આ બધું થયા પછી પણ DRIએ મક્કમ રહીને તપાસ ચાલુ રાખી ને સોનું ઝડપાયું. ગોલ્ડ સ્મગલિંગ કેસની ટાઈમલાઈન
3 માર્ચ : બેંગલુરૂના કેંપાગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી પાછા ફરતી વખતે 14.2 કિલો સોના સાથે રાન્યાની ધરપકડ થઈ. સાથળ અને કમર પર ચોંટાડેલી લગડીઓ મળી આવી
4 માર્ચ : કોર્ટે રાન્યાને 14 દિવસની કસ્ટડીમાં મોકલી
5 માર્ચ : DRIએ રાન્યાના ઘરે દરોડા પાડ્યા. 2.6 કરોડની જ્વેલરી અને 2.67 કરોડ રોકડા મળ્યા.
7 માર્ચ : કોર્ટે 3 દિવસ માટે DRIની કસ્ટડીમાં મોકલી
10 માર્ચ : કર્ણાટક ભાજપે આરોપ લગાવ્યો કે સિદ્ધારમૈયા સરકારના એક મંત્રી ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ છે.
10 માર્ચ : કોર્ટમાં રજૂ કરાયેલી રાન્યાએ DRI પર મારઝૂડનો આરોપ લગાવ્યો. કોર્ટે 24 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી
10 માર્ચ : રાન્યાનો મિત્ર તરુણ રાજૂ ઝડપાયો. કોર્ટે 5 દિવસ DRIને હવાલે કર્યો.
11 માર્ચ : રાન્યાના સાવકા પિતા અને કર્ણાટકના DGP રામચંદ્ર રાવ પર દીકરીને મદદ કરવાનો આરોપ લાગ્યો. રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા.
15 માર્ચ : કર્ણાટક સરકારે રાન્યાના સાવકા પિતા DGP રામચંદ્ર રાવને ફરજિયાત રજા પર ઉતારી દીધા
16 માર્ચ : રાન્યાએ DRIના એડિશનલ ડાયરેક્ટરને લેટર લખીને અધિકારીઓ પર આરોપો મૂક્યા.
25 માર્ચ : બે વાર જામીન ફગાવી દેવાયા છતાં રાન્યાના વકીલે ત્રીજીવાર અરજી કરી.
27 માર્ચ : અદાલતે રાન્યાને ત્રીજીવાર પણ જામીન ન આપ્યા ને કસ્ટડીમાં મોકલી આપી. રાન્યા રાવ DGPની સાવકી દીકરી છે
બેંગલુરૂમાં લાવેલ રોડ સ્થિત રાન્યા રાવના ઘરની તલાશી પણ લેવામાં આવી હતી. તેના ઘરમાંથી 2.6 કરોડ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણા મળી આવ્યા હતા. 2.67 કરોડ રોકડા પણ મળ્યા હતા. રાન્યાની કસ્ટમ એક્ટ 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રાન્યા IPS રામચંદ રાવની સાવકી દીકરી છે. રામચંદ રાવ કર્ણાટક પોલીસ આવાસ નિગમના DGP છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રામચંદ રાવ સાથે વાત કરી હતી. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે, ચાર મહિના પહેલાં રાન્યાનાં લગ્ન આર્કીટેક્ટ જતીન હુક્કેરી સાથે થયાં હતાં. લગ્ન પછી રાન્યા અમને મળવા નથી આવી. તે અને તેનો પતિ શું કરે છે, તેની અમને ખબર નથી. આ સમાચારથી મને આઘાત લાગ્યો છે. રાન્યાએ અમારું નામ ખરાબ કર્યું છે. જો ખરેખર તેણે કાંઈ ગુનો કર્યો છે તો કાનુન તેને સજા આપશે. રાન્યા સોનું લઈ આવતી તો કેવી રીતે બચી જતી હતી?
રાન્યા પકડાઈ તે પહેલાં પણ ઘણીવાર સોનું લઈ આવી હતી. તો સવાલ એ છે કે તે બચી કેવી રીતે જતી હતી? તે સોનું લઈ આવે ત્યારે સાથળ પર અને કમર પર સોનાને ટેપથી બાંધી દેતી હતી. સ્કેનિંગમાં પકડાય નહીં એટલે મોડીફાઈડ જેકેટ અને બેલ્ટ પહેરતી હતી. આ કામ માટે તેણે એવા કપડાં બનાવડાવ્યા હતા જેથી સ્કેનરમાં પકડાય નહીં. સોનું છુપાવીને આસાનીથી લાવી શકાય. DRIને પહેલી શંકા તેના કપડાંના કારણે જ ગઈ. તે 34 વાર દુબઈ ગઈ તો દરેક વખતે રાન્યાએ આ જ કપડાં પહેર્યાં હતા. તે દુબઈથી બેંગલુરૂ પહોંચી તો DRIએ તેને રોકીને તપાસ કરવાની વાત કરી. વધારે તપાસ કરી તો ખબર પડી કે એરપોર્ટનો જ એક કોન્સ્ટેબલ રાન્યાને સાથ આપતો હતો. જ્યારે અધિકારીઓએ રાન્યાને રોકી ત્યારે પણ એ પોલીસ કોન્સ્ટેબલે રાન્યાને રોકવાની કોશિશ કરી હતી. કોન્સ્ટેબલે DRIના અધિકારીઓને કહ્યું, તમને ખબર છે, આ કોણ છે? આ DGP રામચંદ્ર રાવની દીકરી છે. આવું કહેવા છતાં DRIના અધિકારીઓએ ચેકિંગ કર્યું ને રાન્યા પાસેથી સોનું મળી આવ્યું. રાન્યાને સોનાની તસ્કરી માટે સારા એવા પૈસા મળતા હતા. તેને એક કિલો સોનાની તસ્કરી માટે એક લાખ રૂપિયા મળતા હતા. દુબઈની એક ટ્રીપમાં રાન્યા 12થી 13 લાખ કમાઈ લેતી હતી. DRIની પૂછપરછમાં રાન્યાએ શું કહ્યું? હાઈપ્રોફાઈલ કેસની તપાસ CBI કરી રહી છે
DRIએ આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરવા CBIને ભલામણ કરી હતી. ત્યારથી આ કેસ CBIના હાથમાં છે. DRIના એડિશનલ ડાયરેક્ટર અભિષેક ચંદ્રગુપ્તાના કહેવાથી CBIએ રાન્યા રાવ સામે ફરિયાદ દાખલ કરી હતી. CBI એ તપાસ કરે છે કે રાન્યા રાવના કોની કોની સાથે કનેક્શન છે. આ માટે રાન્યાના લગ્નના ફોટા જોવાનું ચાલુ કર્યું છે જેમાં કોણ કોણ ગેસ્ટ હતા તેના આધારે તપાસ આગળ વધશે. CBIએ રાન્યાની મોબાઈલ ડિટેઈલ અને લેપટોપના આધારે સ્મગલિંગ ગેંગને ટ્રેસ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. કોણ છે રાન્યા રાવ? રાન્યાના સાવકા પિતાને રજા પર ઉતારી દેવાયા
રાન્યા રાવની તપાસમાં DRIને બેંગલુરૂના બે જ્વેલરી સ્ટોરના નામ મળ્યાં હતા. એ બંને સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ બે સ્ટોરમાંથી એકનું નામ છે- વીરા ડાયમંડ ટ્રેડિંગ. તેનો માલિક તરુણ રાજુ શંકાના દાયરામાં આવી ગયો. DRIએ ઊંડી તપાસ કરી તો ખબર પડી કે વીરા ડાયમંડની એક બ્રાન્ચ દુબઈમાં છે. તરૂણ રાજુ જીનીવા અને બેંગકોકથી સોનું મગાવતો હતો અને દુબઈમાં મોટા માર્જિનથી વેચી દેતો હતો. તે ભારતમાં સોનાની દાણચોરી કરાવતો હતો. DRIએ તરુણ રાજુને દબોચી લીધો હતો. તેણે DRIને એવો ખુલાસો આપ્યો કે તે ડિસેમ્બર 2024માં જ વીરા ડાયમંડ્સ છોડી ચૂક્યો છે. તેણે જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં રાન્યા રાવના સાવકા પિતા વરિષ્ઠ પોલીસ અધિકારી રામચંદ્ર રાવની પણ પૂછપરછ કરવામાં આવી છે. રાન્યાની ધરપકડના થોડા દિવસો પછી તેના સાવકા પિતાને “ફરજિયાત રજા” પર ઉતારી દેવામાં આવ્યા હતા. રાન્યાએ DRIના અધિક્ષકને લેટર લખ્યો કે, અધિકારીઓ મને મારે છે
રાન્યા રાવે જામીન માટે ત્રણવાર અરજી કરી હતી પણ ત્રણેયવાર જામીન ફગાવી દેવામાં આવી છે. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે તેણે કોર્ટ સમક્ષ એવું કહ્યું હતું કે, DRI અધિકારીઓ તેને ભૂખી રાખે છે અને માર મારે છે. વારંવાર થપ્પડો માર્યા કરે છે. રાણ્યાએ DRIના એડિશનલ ડાયરેક્ટર જનરલને પત્ર લખીને એમ પણ કહ્યું કે પોતે નિર્દોષ છે અને તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી છે. રાન્યા રાવે એમ પણ લખ્યું કે, DRI અધિકારીઓ મને કોરા કાગળો પર સહી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે મેં ના પાડી ત્યારે મને10-15 થપ્પડ મારી દેવામાં આવી. મારા પર ઘણું દબાણ કરવામાં આવ્યું અને પછી મારી પાસેથી ટાઈપ કરેલા 50-60 પાના અને 40 કોરા પાના પર સહી કરાવી લેવામાં આવી. ટાઈપ કરેલા પાનાંમાં શું લખેલું હતું તે મને ખબર નથી. છેલ્લે,
કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડે એવો ખુલાસો કર્યો છે કે રાન્યા રાવ સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવા માગતી હતી. તેના માટે કર્ણાટકની અગાઉની બસવરાજ બમ્મઈ સરકારે ફેબ્રુઆરી-2023માં 12 એકર જમીન આપી હતી. આ જમીન એટલે સરળતાથી મળી ગઈ કારણ કે રાન્યા રાવનો કર્ણાટકના ઘણા નેતાઓ સાથે ઘરોબો છે. આ સ્ટીલ પ્લાન્ટ ઝડપથી બને તેના પૈસા ભેગા કરવા રાન્યા ગોલ્ડ સ્મગલિંગ કરતી હોય એવું બને. મજાની વાત એ છે કે જ્યારે જમીન મળી ત્યારે ભાજપ સરકાર હતી અને સોના સાથે ઝડપાઈ ત્યારે કોંગ્રેસની સરકાર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતી કાલે ફરી મળીએ. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)