વડોદરા શહેરમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના આજવા રોડ ઉપર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા પોલીસ પુત્રએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરના આજવા રોડ ઉપર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા રવિન્દ્રકુમાર માળી તેમના પરિવાર સાથે રહેતા હતા. મૃતક પુત્ર અક્ષય માળી (ઉંમર વર્ષ 21) ડીજેનો ધંધો કરતો હતો. ગઈકાલ રાત્રે તે ઘરે આવ્યા બાદ તેની રૂમમાં સુવા માટે ગયો હતો. આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેના પિતા રવિન્દ્રકુમારે તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી પિતાએ દરવાજો ખખડાવતા તે ઉઠ્યો ન હતો અને રૂમમાંથી કોઈ પ્રત્યુતર મળતો ન હતો. જેથી પિતાને શંકા જતા તેમને દરવાજો જોરથી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં દરવાજાની ફાટક માંથી પુત્રએ ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો. જેથી પિતાએ તેની રૂમનો દરવાજો જોરથી ધક્કો મારતાં દરવાજો ખુલી ગયો હતો. પુત્રએ આપઘાત કરી લેવાના બનાવને પગલે પરીવાર શોકમાં સરી પડ્યો હતો. આ બનાવની અંગેની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે યુવકે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.