દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એસ.ઓ.જી. પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમે સઈ દેવળીયા ગામમાં કાર્યવાહી કરી હતી. પી.આઈ. પી.સી. સિંગરખીયાના નેતૃત્વમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ દરમિયાન 60 વર્ષીય ધનજી લખમણ ગાજરોતર પાસેથી 86,460 રૂપિયાની કિંમતના 8.646 કિલો વજનના 11 ગાંજાના છોડ અને 140 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. આ જ વિસ્તારમાં બીજી કાર્યવાહી દરમિયાન 44 વર્ષીય હિતેશ ઉર્ફે ભાયા હમીર ગોહિલની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી 5,810 રૂપિયાની કિંમતના 581 ગ્રામ વજનના 6 ગાંજાના છોડ અને 80 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. કુલ 94,560 રૂપિયાની કિંમતના 9.227 કિલો વજનના ગાંજાના 17 છોડ અને 229 ગ્રામ સૂકા ગાંજા સાથે બંને આરોપીઓની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ભાણવડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. ખાંટ કરી રહ્યા છે.