મૃગાંક પટેલ ઈકોનોમી રિજિયનમાં બિઝનેસની સાથે સાથે ટૂરિઝમ હબ બનાવવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્રૂઝ સર્વિસથી માંડીને બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડિઝનીલેન્ડ થીમ પાર્ક, બીચ હોટેલ્સ અને બીચ રિસોર્ટ વગેરે ઊભા કરવાનું પણ સરકારનું આયોજન છે, જ્યાં સાઉથ એશિયાનો ઈન્ટરનેશનલ કક્ષાનો પ્રથમ થીમ પાર્ક બનાવાશે. આ માટે નવસારી પાસે ઉભરાટ બીચ નજીકની જગ્યા પસંદ કરવામાં આવી છે. ડિઝની વર્લ્ડ-અમેરિકા સાથે નીતિ આયોગ દ્વારા વાટાઘાટો પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગથી મુંબઈ, ગોવા અને દ્વારકા-સોમનાથ સુધી સુરતને કનેક્ટ કરવા માટે ક્રૂઝ ટૂરિઝમ શરૂ કરવા માટે બે સર્કિટ પ્રપોઝ કરવામાં આવી છે અને બંને સર્કિટમાં ક્રૂઝ સર્વિસથી સુરતને કનેક્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજીરા અને ઉભરાટ બીચ ખાતે ક્રૂઝનાં ટર્મિનલ બનાવવામાં આવશે. આ ક્રૂઝ સર્વિસ 3થી 4 દિવસની રહેશે. આ ઉપરાંત સુવાલી, ઉભરાટ અને તીથલ બીચને મલ્ટિ એક્ટિવિટી ઝોન તરીકે ડેવલપ કરાશે. આમ, આગામી સમયમાં સુરત એક અગ્રણી ટૂરિઝમ કેન્દ્ર તરીકે પણ ઉભરી આવશે.