ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાયમી કરવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરી સૂત્રાચ્ચાર કર્યા હતા. તેઓ પોતાની માગ પર અડગ રહ્યા હતા. શિક્ષકો દ્વારા વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસે ટીંગાટોળી કરી વ્યાયામ શિક્ષકોને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી હતી. વ્યાયામ શિક્ષકો દ્વારા અનેકવાર કાયમી કરવા માટે તેમજ બીજી અન્ય માંગણીઓ બાબતે સરકારમાં રજૂઆત કરી છે. તેમજ આવેદનપત્રો પણ આપ્યા છે. તેમ છતાં કોઈ માંગણીનો નિકાલ થયો નથી. આ બાબતે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષક મેહુલ ડોડાએ જણાવ્યું હતું કે, સરકાર જે પ્રમાણે ગુજરાતી કલાકારોને વિધાનસભા બોલાવીને સન્માન કરી રહી છે અને અમારા જેવા શિક્ષકોને આટલી ગરમીમાં આંદોલન કરવા ગાંધીનગરના રસ્તે રઝળવું પડી રહ્યું છે. વ્યાયામ શિક્ષક લશ્કરી સચિન જણાવી રહ્યા છે કે, સરકાર મોટા મોટા દાવા કરી રહી છે કે ખેલશે ગુજરાત રમશે ગુજરાત. પણ ગુજરાતને રમાડનાર શિક્ષક જ નઈ હોય તો ક્યાંથી રમશે ગુજરાત? વ્યાયામ શિક્ષક યોગિતા પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આટલા લુખ્ખા તત્વો અને ગુંડા તત્વો છે તો પોલીસ એમની સાથે કેમ ઘર્ષણ નથી કરી રહી. અને અમે અમારો હક માંગીએ છીએ ત્યારે અમને ઘસડીને લઈ જવામાં આવી રહ્યાં છે. વ્યાયામ શિક્ષક ભાવના ચૌધરી કહી રહ્યા છે કે, જ્યાં સુધી અમારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા આંદોલન પર અડગ રહીશું.
અગાઉ પણ ગાંધીનગર વિધાનસભા ગેટ-1 તરફ વ્યાયામ શિક્ષકોએ કૂચ કરી હતી. અનેક રજૂઆત છતાં પ્રશ્નનનો ઉકેલ આવ્યો ન હતો. ત્યારે વ્યાયામ શિક્ષકો પોતાની માગ પર અડગ જ છે. અગાઉ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી.