પાટણની એનજીઈએસ સંચાલિત પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં 49મો વાર્ષિકોત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, કેમ્પસ સીડીઓ પ્રો. જય ધ્રુવ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભીખાભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શિક્ષક ડાયાભાઈ દેસાઈ અને પ્રાર્થના વૃંદ દ્વારા પ્રાર્થનાથી થઈ. શાળાના બે શિક્ષકો મહેશભાઈ સોલંકી અને વિપુલભાઈ સોલંકીનું પ્રમોશન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન રાજ્ય અને પ્રદેશ કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર 130થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. માધ્યમિક વિભાગમાંથી વાઘેલા ભાવનાબા અને દુધરેચીયા માનવ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી આચાર્ય નેહા અને પ્રજાપતિ રોનકને આદર્શ વિદ્યાર્થી તરીકે સન્માનિત કરાયા. શાળામાંથી નિવૃત્ત થતાં શ્રીમતી રમીલાબેન પટેલ તથા નવનિયુક્ત આચાર્ય ચિરાગભાઈ લવલે અને રજનીકાંતભાઈ દવેનું શ્રીફળ, સાકર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું. રમીલાબેન પટેલે 500 લોકોના ભોજન પ્રસાદના દાતા તરીકે યોગદાન આપ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને શાળા દ્વારા તૈયાર કરાયેલ ઈ-બુલેટિનનું વિમોચન કરવામાં આવ્યું. પ્રો. જય ધ્રુવે શિક્ષણની નવી દિશા અને ભીખાભાઈ પટેલે બાળકોના સર્વાંગી વિકાસની આવશ્યકતા પર ભાર મૂક્યો.