નરેશ ચૌહણ જીવતા જાગતા 19 શ્રમિકોના મોતની ઘટનાથી આખો જીલ્લો હચમચી ગયો છે. ઘટના બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. બનાસકાંઠા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ભયાનક લાપરવાહીનું આ પરિણામ છે કે મધ્યપ્રદેશના 19 શ્રમિકો મોતને ભેટી ગયા છે. ડીસામાં જ્યાં જુનાડીસા ગામની હદનો સીમાડો આવે છે એવી જગ્યા પર ખૂબચંદ અને તેના પુત્ર દિપક એ ફટાકડાના ગોડાઉન માટેની ફેક્ટરી 2021માં શરૂ કરી. ચાર વર્ષ સુધી તો લાયસન્સ રીન્યુ થતા રહ્યા પરંતુ 2024 માં લાયસન્સ રીન્યુ ન થયું. આખું વર્ષ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી. ગયા વર્ષથી ફેક્ટરીમાં સુતળી બોમ્બ બનાવવાનું કામકાજ શરૂ કરી દેવાયું. જેના માટે મોટી માત્રામાં નાઇટ્રેટ અને સલ્ફર વિફ્ટકનો જથ્થો લાવી દેવાયો. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ તેમના કોઈના પણ ધ્યાન પર આ બાબત આવી નહીં. ડીસા ડીવાયએસપી દ્વારા અભિપ્રાય માટે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હોવાનું એસપી દ્વારા જાહેર કરવામાં આવ્યું પરંતુ નેગેટિવ રિપોર્ટ આપવા છતાં પણ ફેક્ટરી ધમધમતી રહી અને સીલ કરીને બંધ કરવામાં ન આવી. સ્થાનિકોએ ભારે આકરો સાથે જણાવ્યું કે માત્ર તપાસના નામે નાટકો થયા છે તંત્રએ આંખો બંધ કરી દીધી છે. 18 દિવસ પહેલાં જ અધિકારીઓની ટીમે ગોડાઉનની મુલાકાત લીધી હતી
12 માર્ચના સ્થાનિક તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ફેકટરી પર પહોંચીને તપાસ કરી પણ ત્યારે તંત્ર ને કઈ દેખાયું જ નહીં. ફટાકડા રાખવાનો પરવાનો રીન્યૂ નહોતો તે પણ તંત્ર જાણી નહીં શક્યું. ત્યારે સીલ માર્યું હોત તો હોનારત સર્જાઈ નહોત. માત્ર ફટકડાનો સંગ્રહ જ કરી શકતા હતા: અધિકારી
ડીસા પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ફેક્ટરી માલિક ખૂબચંદ અને તેના પુત્ર દિપકે 2024માં લાઇસન્સ રીન્યૂઅલ માટે અરજી કરી હતી. પૂરતી વ્યવસ્થા ન હોવાથી અમે તેની ફાઈલ રીન્યૂ કરી નહોતી. તેઓ ફટાકડા સ્ટોરેજ કરી શકતા હતા. પ્રાથમિક દૃષ્ટિએ તેઓ બનાવતા હોય તેવું લાગે છે. એટલે બિન પરવાનગી જે કામગીરી કરે છે તેના માટે તંત્ર દ્વારા જે એક્શન લેવાના થતા હશે તે લઈશું. જો કે સીલ કેમ ના કરી તેનો પ્રાંત અધિકારી જવાબ આપી શક્યા ન હતા.