65 વર્ષ પૂર્વે મહેસાણા તાલુકાના પાલોદર ગામે પાટી લઈને ધોરણ એક થી આઠનું પ્રાથમિક શિક્ષણ મેળવનારા બે ભાઈઓએ વર્ષો પછી ગામમાં નવીન પ્રાથમિક શાળા બનાવી ગામને સોંપવાનું વર્ષો જૂનું સપનું રવિવારે મૃતક શિક્ષક જીવરાજભાઈ દેસાઈના પુત્રો અને માલજીભાઈ દેસાઈએ પૂરું કર્યું હતું. રૂ.એક કરોડના ખર્ચે માત્ર પાંચ ચોપડી પાસ જતનબેન માલજીભાઈ દેસાઈના નામે કોમ્પ્યુટર રૂમ સહિત 12 વર્ગખંડની નવીન શાળા બનાવીને શિક્ષણ વિભાગને સોંપી હતી. પાલોદર ગામે પતરાંની જૂની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ જીવરાજભાઈ દેસાઈ શિક્ષક બન્યા હતા. જ્યારે તેમના ભાઈ માલજીભાઈએ ખાનગી નોકરી મેળવી હતી. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યા બાદ બંને ભાઈઓએ જે ગામમાં પોતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે ત્યાં અદ્યતન નવી શાળા બનાવવીનું સપનું જોયું હતું. વર્ષો બાદ શિક્ષક જીવરાજભાઈ મૃત્યુ પામ્યા. બીજી તરફ, ગામની પ્રાથમિક શાળાનું મકાન ખૂબ જ જર્જરિત થઈ જતાં જીવરાજભાઈના દીકરા રમેશભાઈ અને રાજેશભાઈએ તેમના કાકા માલજીભાઈ અને તેમના દીકરા દિનેશભાઈ અને વિક્રમભાઈ સાથે મળી એ સપનું પૂર્ણ કરવાની દિશામાં કામ કરી રૂ.1 કરોડના ખર્ચે 12 વર્ગખંડ ધરાવતી ધાબા સાથેની એક અદ્યતન શાળા માલજીભાઈ દેસાઈએ તેમનાં પત્ની જતનબેનના નામે બનાવી રવિવારે વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુના હસ્તે ગામલોકો અને શિક્ષણ વિભાગને અર્પણ કરી હતી.