ભાસ્કર ન્યૂઝ | ધરમપુર ધરમપુરનાં તુંબી ડુંગરી ફળીયુંના કડીયાકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 59 વર્ષીય અશ્વિન છનાભાઈ પટેલ તથા તેમની પત્નીના નામના એસબીઆઈ બેંક ધરમપુર શાખાના જોઈન્ટ સેવિંગ એકાઉન્ટમાં તેમનો મોબાઈલ નંબર લિંક કરાયો હતો. તેઓ આ મોબાઈલ નંબરથી નેટબેંકીંગ, ગુગલ પે, ફોન પે ચલાવતા ન હતા. ગત તા. 11-11-2024ના રોજ તેમની ફીક્સ ડીપોઝીટ પાકતા જેના બેંક એકાઉન્ટમાં જમા પૈસામાંથી તેમણે એક લાખ ઉપાડયા હતા. બાકી રૂ 99,514.29 એકાઉન્ટમાં જમા હતા. ગત તા.4-03-2025ના રોજ તેમની પત્નિ હંસાબેન બીમાર થતા ધરમપુર હોસિપટલમાં તેમની સારવાર માટે પૈસાની જરૂર પડતા તેમણે ગત તા.13-03-2025ના રોજ રૂ 90,000 ઉપાડવા સેલ્ફનો ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધરમપુર શાખામાં જતા તેમના ખાતામાં પૈસા નથી એમ જાણવા મળ્યું હતું. જેથી તેમણે તપાસ કરાવતા તેમના ખાતામાંથી તા.11-11- 2024થી તા.11-01-2025 સુધી કુલ 99,606 રૂપિયા યુપીઆઇ થી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેમણે તેમના ખાતામાં મોબાઇલ નંબર લીંક સિવાય બીજી કોઇ સુવિધા તેમજ કોઇ ઇન્ટરનેટ બેંકીંગ, ગુગલ પે, ફોન પે ચાલુ કરાવ્યું નથી કે કોઇને ઓટીપી આપ્યો ન હતો છતાં તેમના ખાતામાંથી કોઇએ યુપીઆઇ દ્વારા પૈસા ઓનલાઇન ટ્રાન્જેકશન કરી લેતા ઠગાઇ થઇ હોવાની જાણ થતા તેમણે અજાણ્યા ઇસમ સામે પત્નીની સારવારને લઇ મોડે મોડે ફરીયાદ નોંધાવી હતી.