બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, તેમની મેનેજર દિશા સલિયનની કથિત આત્મહત્યા પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. દિશાના પિતા તેને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી રહ્યા છે. આ મામલે આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે. દિશાના પિતાએ હાઇકોર્ટમાં CBI તપાસની માગણી કરતી અરજી દાખલ કરી છે, જેમાં આદિત્ય ઠાકરે સહિત ચાર મુખ્ય વ્યક્તિઓ સામે તપાસની માગ કરવામાં આવી છે. સતીશ સલિયન કહે છે કે આ કેસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો, જે સત્ય ઉજાગર કરી શક્યા હોત. સતીશ અને તેમના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે- તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે અને કેસ સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા સોંપશે. ઓઝાએ કહ્યું- અમારી પાસે મહત્વપૂર્ણ અને વધારાના પુરાવા છે, પરંતુ અમે તેને હાલમાં જાહેર કરી શકતા નથી કારણ કે તે કેસને અસર કરી શકે છે. મહારાષ્ટ્રના બે ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી), એપી નિપુંગે અને ભીમરાજ ઘાડગેએ દિશાના પિતા સતીશ સાથે મળીને, તેમના એડવોકેટ નિલેશ ઓઝાને પેન ડ્રાઈવમાં અત્યંત સંવેદનશીલ પુરાવા સોમવારે સુપરત કર્યા હતા. પેન ડ્રાઇવમાં સમાવિષ્ટ સામગ્રીમાં મહત્ત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ, વિડિયો રેકોર્ડિંગ્સ, સ્ટિંગ ઓપરેશન ફૂટેજ વગેરેનો સમાવેશ થાય છે, જે દિશાના કથિત ગેંગ રેપ, હત્યા અને ત્યાર બાદના કવર-અપના કેસને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી શકે છે, એમ સાલિયનના વકીલ નિલેશ ઓઝાનું કહેવું છે. આ પુરાવા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ અને અન્ય લોકોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવવા અને હત્યાને આત્મહત્યા તરીકે ખોટી રીતે રજૂ કરવા માટે તથ્યો સાથે છેડછાડ કરવામાં સંડોવે છે. ચાલુ તપાસને મજબૂત બનાવવામાં આ પુરાવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી છે. ઓઝાએ એવો પણ દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી 2021માં જારી કરાયેલ ક્લોઝર રિપોર્ટ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને કેસ સંબંધિત ખોટા પ્રચાર વિશે વાત કરી હતી. દિશા સલિયન કોણ હતી?
28 વર્ષીય દિશા સલિયન એક સેલિબ્રિટી મેનેજર હતી, જે સ્વર્ગસ્થ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર પણ રહી ચૂકી છે. દિશાના મૃત્યુના છ દિવસ પછી સુશાંતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. દિશાએ ફિલ્મ ‘જઝ્બા’માં ઐશ્વર્યા રાય બચ્ચન અને એક્ટર વરુણ શર્મા સાથે પણ કામ કર્યું હતું. મુંબઈ પોલીસને દિશા અને સુશાંતના મૃત્યુ વચ્ચે કોઈ જોડાણ મળ્યું ન હતું. દિશા તેના માતાપિતા સાથે દાદરમાં રહેતી હતી અને તેનો મંગેતર રોહન રોય પણ COVID-19 લોકડાઉન દરમિયાન તેની સાથે રહેવા આવ્યો હતો. શું છે દિશા સાલિયન કેસ?
મલાડના માલવણી પોલીસ સ્ટશેનની હદમાં એક બહુમાળી ઈમારત પરથી 8 જૂન, 2020ના સુશાંતસિંહ રાજપુતની ભૂતપૂર્વ મેનેજર દિશાએ 12મા માળેથી છલાંગ લગાવી સુસાઈડ કરી હોવાનો માલવણી પોલીસે દાવો ર્ક્યોં હતો, ઉલ્લેખનીય છે કે, દિશાના મોત પછી સુશાંતસિંહે થોડા દિવસો પછી, 14 જૂનના રોજ તેના બાંદરા સ્થિત નિવાસે ગળે ફાંસો ખાઇ લીધો હોવાનું પોલીસે જાહેર ર્ક્યું હતું. દિશાના પિતા સતીશ સાલિયને કહ્યું, સુશાંતની હત્યા અને મારી પુત્રીની હત્યા એકબીજા સાથે જોડાયેલા છે. મારી પુત્રીએ પોતાનો જીવ લીધો નહોતો. તેની હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન નહોતા. તેમણે વધુમાં અપીલ કરી કે જે જરૂરી હોય તે કરો, પરંતુ મારી પુત્રીને ન્યાય આપો. સત્યને પ્રકાશમાં લાવો.