ગાંધીનગરમાં ખેલ સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માગ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન 17મા દિવસે પણ ચાલુ રહ્યું છે. મંગળવારે (1 એપ્રિલે) શિક્ષકોએ સચિવાલય તરફ કૂચ કરી હતી. પોલીસે તમામની અટકાયત કરી હતી. ત્યારે આજે સત્યાગ્રહ છાવણીએ પણ એકઠા થતાં અટકાયત કરી છે. સરકાર ટસની મસ થઈ રહી નથી ત્યારે અડીખમ વલણ છતાં વ્યાયામ શિક્ષકો 17 દિવસથી લડત ચલાવી રહ્યા છે અને આંદોલન માટે મક્કમ છે. પોલીસનું ટાળીઓ પાડી સ્વાગત
આજે (2જી એપ્રિલે) બુધવારે પણ શિક્ષકો સત્યાગ્રહ છાવણીએ ધરણા માટે એકઠા થયા હતા. પોલીસે ફરી તેમની અટકાયત કરી લીધી છે. શિક્ષકોએ પોલીસની કાર્યવાહી જાણતા તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. 15 વર્ષથી અન્યાય કરાયાનો આક્ષેપ
વ્યાયામ શિક્ષકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી શિક્ષણ વિભાગ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 1 એપ્રિલે દેખાવો કરતાં 2ને ઈજા થઈ હતી
મંગળવારે સચિવાલય ખાતેના દેખાવો દરમિયાન બે શિક્ષકોને ઈજા થઈ હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શિક્ષકોએ સ્પષ્ટ કર્યું છે કે સરકારના આવા વલણથી તેઓ પીછેહઠ કરવાના નથી. 15 વર્ષથી ભરતી ન થતાં આંદોલનના માર્ગે
ગાંધીનગરમાં છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થતાં વ્યાયામ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. છેલ્લા 17 દિવસથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં ધામા નાખીને સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું નથી. ધરણામાં કસરત, સૂર્ય નમસ્કાર, યોગ કર્યા
અત્યાર સુધીમાં વ્યાયામ શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી અંગ કસરતના દાવ, સૂર્ય નમસ્કાર, યોગ કરીને કાયમી ભરતીની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે વ્યાયામ શિક્ષકોએ સચિવાલય બહાર દેખાવો યોજ્યા હતા, જેઓની પોલીસે અટકાયત કરી લીધી છે. માગણીના નિરાકરણ સુધી આંદોલન માટે મક્કમ
વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમની માગણીઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં આંદોલન ચાલુ રાખશે. તેઓ પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) પરીક્ષા લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 17મો દિવસ
વ્યાયામ શિક્ષકોની સાથે સાથે ગુજરાત પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પણ 17 દિવસથી હડતાળ પર છે. કર્મચારીઓ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે. સરકાર દ્વારા સેવા સમાપ્તિના આદેશો છતાં સેંકડો કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. પોલીસ છેલ્લા ચાર દિવસથી અટકાયતની કાર્યવાહી કરી રહી છે. આજે બુધવારે કર્મચારીઓએ સહી ઝુંબેશ દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પણ વાંચો-આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 17મો દિવસ:ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાની માગ સાથે સહી ઝુંબેશ દ્વારા વિરોધ નોંધાવ્યો