back to top
HomeગુજરાતPM મોદીને 25 કિલોની પાઘડી ભેટમાં અપાશે:રાજકોટના કારીગરે વડાપ્રધાનની ઉંમર, શાસનકાળને ધ્યાનમાં...

PM મોદીને 25 કિલોની પાઘડી ભેટમાં અપાશે:રાજકોટના કારીગરે વડાપ્રધાનની ઉંમર, શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાઘડીનું ખાસ મહત્ત્વ છે. ત્યારે રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવતા એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેમમાં ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. વડાપ્રધાનની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. PMના શાસનકાળને 10 વર્ષ થયાં હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી રાખવામાં આવી છે. એટલું જ નહીં PM મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ પાઘડીનું વજન 25 કિલો છે. આવી પાઘડી બનાવવી ખૂબ અઘરીઃ સંજયભાઈ
રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજયરાજ પાઘડી નામથી પાઘડીની દુકાન ધરાવતા સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન પ્રત્યેના પ્રેમમાં આ ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. સંજયભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવનારા ખૂબ ઓછા કારીગરો છે, આ પૈકીનો એક હું પણ છું. આવી પાઘડી બનાવવી ખૂબ અઘરી હોય છે, પરંતુ તેમાં મારી માસ્ટરી છે. 10 વર્ષ કરતાં વધુ સમયથી હું આ કામ કરૂં છું. વડાપ્રધાન મોદી પ્રત્યે મને ખાસ લગાવ હોવાને કારણે મેં અન્ય 5 જેટલા કારીગરો સાથે મળીને 5 દિવસ-રાત મહેનત કરીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. ‘PMની ઉંમર 75 વર્ષની હોવાથી પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ’
વડાપ્રધાન માટે બનાવવામાં આવેલી આ ખાસ પાઘડી વિશે જણાવતા તેમણે કહ્યું કે, વડાપ્રધાનની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કર્યો છે. તેમજ પ્રધાનમંત્રીના શાસનકાળને હાલ 10 વર્ષ થયાં હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટની રાખવામાં આવી છે. એટલું જ નહીં PM મોદી ભારત દેશના 16મા વડાપ્રધાન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ પાઘડીનું વજન 25 કિલો જેટલું છે. આ પાઘડી બનાવવા માટે માત્ર રૂ. 7,500નું તો કાપડ લગાવ્યું છે. આ સિવાયની અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ. 11,000 જેટલો ખર્ચ પાઘડી બનાવવામાં થયો છે. ‘વડાપ્રધાનને પાઘડી ભેટમાં આપવાની ઈચ્છા છે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ મોટા ફેન હોવાને કારણે તેમણે પોતાની મહેનત, અન્ય કારીગરોની મદદ અને રૂ. 11,000 જેવો ખર્ચ કરીને આ ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. આ પાઘડી તેઓ જાતે વડાપ્રધાન મોદીને અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે તેમના સુધી આ ખાસ પાઘડીને કેમ પહોંચાડવી તે અંગે કોઈ જાણકારી નથી. પરંતુ હવે જ્યારે વડાપ્રધાન રાજકોટ આવશે, ત્યારે ભાજપના કોઈ સ્થાનિક નેતા સાથે વાત કરીને પોતે આ માટેનો ચોક્કસ પ્રયત્ન કરશે. જ્યાં સુધી આ વાત શક્ય નહીં બને ત્યાં સુધી આ ખાસ પાઘડીને પોતાની દુકાનમાં પ્રદર્શન માટે રાખશે. મહાદેવને 45 રિંગવાળી પાઘડી અર્પણ કરી હતી
વડાપ્રધાન મોદીનો ફેન હોવાની સાથે હું દેવાધિદેવ એવા મહાદેવનો પણ ભક્ત છું. સામાન્ય રીતે શ્રાવણ માસમાં લોકો બીલીપત્ર અને દૂધ વડે મહાદેવનો અભિષેક કરતા હોય છે. પરંતુ મેં મહાદેવ માટે ખાસ પાઘડી બનાવવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈ ગત શ્રાવણ માસ દરમિયાન 15 મીટર જેટલા કાપડથી 2 દિવસની મહેનત બાદ ખાસ 45 રિંગવાળી એક પાઘડી ભોળાનાથ માટે બનાવી હતી. એટલું જ નહીં આ ખાસ પાઘડી રાજકોટના ઇશ્વરિયા મહાદેવ મંદિરમાં અર્પણ કરી હતી. ત્યારબાદ મને PM મોદી માટે પાઘડી બનાવવાનો વિચાર આવ્યો હતો. પણ આ માટે જરૂરી રકમ એકઠી કરવામાં થોડો સમય લાગ્યો હતો. રાજકોટના કોઈનમેને મોદી માટે ફ્રેમ બનાવી હતી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના ચાહકો ભારતના ખૂણેખૂણામાં જોવા મળે છે અને તેઓ પ્રધાનમંત્રી માટે અવનવી ભેટ આપતા હોય છે. વડાપ્રધાન પણ આવી ભેટનો સહર્ષ સ્વીકાર કરતા હોય છે. અગાઉ રાજકોટના કોઈનમેન તરીકે જાણીતા નરેન્દ્રભાઈ સોરઠિયાએ ખાસ વડાપ્રધાનના સ્વાગત માટે અનોખી ફ્રેમ બનાવી હતી. જેમાં પ્રધાનમંત્રીની 72 વર્ષની ઉંમર મુજબ 72 ફોટા, 1950માં જન્મ હોવાથી 1950નો કોઈન તેમજ 195 દેશના કોઇન્સ મઢ્યા હતા. આ સાથે તેમણે PM-CM માટે ખાસ ભગવો ખેસ પણ બનાવ્યો હતો. ત્યારે હવે સંજયભાઈ જેઠવાની પાઘડી વડાપ્રધાન મોદી સુધી ક્યારે પહોંચે છે તે આવનારો સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments