આગામી 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ત્રણ બ્લોકમાં વિશાળ એસી જર્મન ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. અંદાજે 3,000 જેટલા લોકો બેસી શકે તેની વ્યવસ્થા સાથેના ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. ડોમ ઉભો કરવાની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. A,B અને C એમ ત્રણ બ્લોકમાં આખો ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. 8 એપ્રિલે 11 વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના CWCના સભ્યો હાજર રહેશે. CWCની બેઠકને લઈને સરદાર પટેલ સ્મારકમાં જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્મારકમાં આવેલા ગ્રાઉન્ડમાં વિશિષ્ટ પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ ડોમમાં CWCની બેઠક મળશે.CWCની બેઠક પહેલા સભ્યો સરદાર પટેલ સ્મારક બહાર એક ગ્રુપ ફોટો પડાવશે. આ ગ્રુપ ફોટો બાદ સ્મારકમાં આવેલા હોલ સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં CWCની બેઠક યોજાશે. ત્યારબાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા પણ યોજાશે. આ પણ વાંચો: કોંગ્રેસ અધિવેશનની ખાસ સિરીઝ ‘સાબરમતીથી સંજીવની CWCની બેઠક માટે સરદાર પટેલ સ્મારકમાં આવેલા હોલ સામે એક વિશિષ્ટ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.150થી વધુ લોકો બેસી શકે તે પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ સુધીમાં ડોમ તૈયાર થશે.આ ડોમમાં બેઠક વ્યવસ્થા C શેપમાં રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ પર કોંગ્રેસના ફ્લેગ સાથે VIP ડોમ, બ્લોકવાઇઝ LEDની પણ વ્યવસ્થા
9 એપ્રિલે સાબરમતીના તટે યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો સામેલ થવાના છે. ત્યારે દરેકની બેઠક વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્યોથી લઇ અને ઉચ્ચ નેતાઓ માટે સૌથી આગળ બેઠક કરવામાં આવી છે. નેશનલ યુથ કોંગ્રેસ, સેવા દળ, મહિલા કોંગ્રેસ, NSUI અને દરેક પ્રદેશના પ્રમુખો બેસે તેના માટે અલગથી બ્લોક ઊભા કરવામાં આવનાર છે. દરેક અલગ અલગ બ્લોકમાં એલઇડીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોંગ્રેસના દરેક રાજ્યના સંસદ સભ્યો અને ધારાસભ્યોની અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ જર્મન ડોમની પાછળ અલગથી VIP ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસનો ફ્લેગ પણ લગાવ્યો છે. આ ડોમમાં વીઆઈપીના બેસવા અને જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. 44 ડિગ્રી ગરમીથી બચવા 300થી વધુ પોર્ટેબલ AC
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા અધિવેશનમાં અંદાજે 3,000 જેટલા લોકો ભાગ લેવાના છે, ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સિવાયના હોદ્દેદારો અને અલગ મોરચાના હોદ્દેદારો માટે પણ જમણવાર માટે અલગથી ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. 9 એપ્રિલે અમદાવાદમાં અંદાજે 44 ડિગ્રીની આસપાસ ગરમી રહે તેવી શક્યતા છે ત્યારે રિવરફ્રન્ટ પર બનાવાયેલો વિશાળ ડોમ આખો બંધ હશે. જેમાં અંદાજે 300થી વધારે પોર્ટેબલ એસી લગાવવામાં આવી રહ્યાં છે. ભાવનગરનો એ યોગાનુયોગ અને શક્તિસિંહ
આ પહેલાં 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ, 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. એમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખપદે છે. એ અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા. ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો એ રીતે ગુજરાતમાં પણ હરાવીશું. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. એ વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડી ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. કોંગ્રેસ-અધ્યક્ષ બેઠકની અધ્યક્ષતા કરશે
આ અધિવેશન 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસશાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય ગુજરાત હોવાને કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં જ હરાવવો પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. ભાવનગરના અધિવેશનમાં નહેરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા
1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલ સિંહ, શ્રવણ સિંહ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. એ વખતે સરદારનગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો. અધિવેશન પૂરુ થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાડીને રહેણાકી વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરતનગર સુધીનો વિસ્તાર રહેણાકી બની ગયો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટું સંકુલ ઊભું કર્યું હતું અને એનો વહીવટ તેના શષ્ય કે.પી. સ્વામીને સોંપ્યો હતો. નારાયણ પ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ, જેમાં વચમાં એક પણ થાંભલો ન હોય એવો બનાવ્યો હતો. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.