વડોદરાના અટલાદરા ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના 244માં જન્મોત્સવ નિમિતે શ્રીહરિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે (3 એપ્રિલ) અટલાદરા મંદિર ખાતે “મારા ભગવાનને મારી શુભેરછા” અંતર્ગત યુવા-યુવતીઓએ ગ્રેટિંગ્સ કાર્ડ દ્વારા શુભેરછાઓ પાઠવી હતી. અહીં ઇ-ગ્રેટિંગ્સ કાર્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજના સમયે ભગવાન સ્વામિનારાયણને કેક અને ચોકલેટનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવશે. શુભેચ્છા પાઠવતા 1000થી વધુ ઈ-ગ્રેટિંગ્સ કાર્ડ તૈયાર કરાયા
આજના દિવસે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 244 વર્ષ પહેલા આજના દિવસે તારીખ 03/04/1781ના રોજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો. આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં બીએપીએસ સંસ્થાના યુવકો દ્વારા દરેકના પોતાનામાં રહેલ રચનાત્મકતાને પ્રવર્તમાન યુગ અનુસાર ટેબ્લેટ, લેપટોપ, મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં વ્યક્તિગત વિચારને શબ્દદેહ આપી પ્રાણ પ્યારા ભગવાનને 1000થી વધુ ઈ-ગ્રેટિંગ્સ કાર્ડ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંગ્રેજી તારીખ મુજબ ભગવાનના 244 વર્ષ થઈ રહ્યા છેઃ વિવેક નિષ્ઠ સ્વામી
આ અંગે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના વિવેક નિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે પરમ પવિત્ર દિવસ છે. આજના દિવસે પરમબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ થયું હતું. અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર 49 વર્ષ રહ્યા હતા. અંગ્રેજી તારીખ મુજબ એમને 244 વર્ષ થઈ રહ્યા છે. આજે યુવા પેઢી દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને જન્મદિવસની શુભેચ્છા આપતા 300 જેટલા ગ્રેટિંગ્સ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જે ઠાકોરજી સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સાથે 100થી વધારે ઇ-ગ્રેટિંગ્સ કાર્ડ તૈયાર કર્યા છે, તે અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અન્ય ભક્તોના મળીને 1000 જેટલા ગ્રેટિગ્સ કાર્ડ તૈયાર કરવામાં આવેલા છે. ‘4 દિવસ સુધી BAPS મંદિરોમાં ભવ્ય ઉજવણી થશે’
વધુમાં જણાવ્યું હતું કે, આજે સાંજે ભગવાન શ્રી સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે 49 કેક અને 49 ચોકલેટનો અન્નકૂટ થશે. કારણ કે, તેઓ 49 વર્ષ સુધી તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતાં. ન માત્ર વડોદરાના અટલાદરા મંદિરમાં પણ નાના-મોટા જેટલા પણ સંસ્કાર ધામ આવેલા છે, ત્યાં ચોકલેટ અને કેક ભક્તો બનાવીને લાવશે. આ સાંજના સમયે અન્નકૂટ થશે અને ત્યારબાદ આરતી ગાન કરી છુટા પડશે. આ સાથે ઘરે ઘર ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આજથી શ્રી હરિ પર્વનો પ્રારંભ થયો છે. ચાર દિવસ સુધી BAPS સ્વામિનારાયણ સેન્ટર અને મંદિરોમાં આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.