આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર આગની ઘટનામાં ઘાયલ થયો છે. તે સિંગાપોરની એક શાળામાં અભ્યાસ કરતો હતો. આ શાળામાં આગ લાગતાં તે પણ લપેટમાં આવ્યો. હાલ ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ માર્કને હાથ અને પગમાં ઈજા થઈ છે અને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી હતી. આગ લાગવાની માહિતી મળતાં જ સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કાર્યકરોએ તાત્કાલિક ઇમારતની અંદર ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા. 15 બાળકો સહિત 19 ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પવન કલ્યાણે આજના તમામ કાર્યક્રમો રદ કર્યા
પવન કલ્યાણને પુત્રના ઘાયલ થવાની માહિતી મળતાં તેમણે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે. તેઓ હાલમાં મણિયમ, અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના પ્રવાસે હતા. આ પ્રવાસ પછી, આગળના બધા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. માર્ક શંકર પવન કલ્યાણ અને તેમની પત્ની અન્ના લેઝનેવાનો નાનો પુત્ર છે. જનસેના પાર્ટીએ X પર જણાવ્યું હતું કે શંકરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોની એક ટીમ તેની સારવાર કરી રહી છે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. JEE મેઈન્સના વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયા
પવન કલ્યાણ તેમના કાર્યક્રમો માટે એક વિશાળ કાફલા સાથે પહોંચ્યા હતા, અને તેના કારણે મોટી સંખ્યામાં JEE મેઇન્સના વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા ચૂકી ગયા હતા. તેમના કાફલાના ઘણા વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા, જેમાં જોવા મળ્યું હતું કે તેમના કાફલાને કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ કારણે તેઓ તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા નહીં અને તેમનું પેપર ચૂકી ગયા. જોકે, બાદમાં વિશાખાપટ્ટનમ પોલીસે એક વિગતવાર નિવેદન જારી કરીને વિદ્યાર્થીઓના આરોપોને ફગાવી દીધા.