ટોમ ક્રૂઝની આગામી ફેમસ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ: ધ ફાઈનલ રેકનિંગ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર સામે આવતા જ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ છેલ્લું મિશન છે. ટોમ ક્રૂઝના સ્ટારડમનો સૌથી મોટો ભાગ તેના સ્ટંટ છે. ટ્રેલરમાં હોલિવૂડ એક્ટર પ્લેનમાં સ્ટંટ કરતો જોવા મળે છે. ફરી એથન હંટની ભૂમિકામાં ભજવશે ટોમ ક્રૂઝ
ટોમ ક્રૂઝ ફરી એકવાર એથન હંટના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને વર્ષની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. પેરામાઉન્ટ પિક્ચર્સ ઇન્ડિયાએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર આગળના સાત ભાગ પર આધારિત છે. ટોમના પ્લેન સ્ટંટથી આ ટ્રેલરની શરૂઆત થાય છે. ટોમ ક્રૂઝ ચાહકોને તેની દુનિયાની સફર પર લઈ જવા માટે ફરી એકવાર મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. શું ‘મિશન ઇમ્પોસિબલ 8’ તેના પાછળના રેકોર્ડ તોડી શકશે?
અહેવાલો અનુસાર, ફિલ્મનું બજેટ લગભગ 400 મિલિયન ડોલર એટલે કે 3300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બજેટ સિનેમાના ઇતિહાસમાં ચોથું સૌથી મોટું બજેટ હોવાનું માનવામાં આવે છે, જે સ્ટાર ‘વોર્સ: ધ ફોર્સ અવેકન્સ’ ($447 મિલિયન), ‘જુરાસિક વર્લ્ડ: ફોલન કિંગડમ’ ($432 મિલિયન) અને ‘સ્ટાર વોર્સ: ધ રાઇઝ ઓફ સ્કાયવોકર’ ($416 મિલિયન) પછીનું છે. આ પહેલા, વર્ષ 2023માં રિલીઝ થયેલી ‘મિશન ઇમ્પોસિબલ: ડેડ રેકનિંગ પાર્ટ વન’નું બજેટ લગભગ 2400 કરોડ રૂપિયા હતું અને તેણે વિશ્વભરમાં લગભગ 4800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટ્રેલર પર ફેન્સની જબરદસ્ત પ્રતિક્રિયા
‘મિશન ઇમ્પોસિબલ: ધ ફાઈનલ રેકનિંગ’ના ટ્રેલર પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં કેટલાક સરપ્રાઈઝ પેકેજ અને કેટલાક સસ્પેન્સ છે. ટ્રેલર જોયા પછી, એક યુઝરે કોમેન્ટ કરી અને કહ્યું – ઓલ ટાઈમ ગ્રેટ ટોમ ક્રૂઝ. બીજાએ લખ્યું – આ ટ્રેલર જોયા પછી કોણ કોણ ઉત્સાહિત છે? ‘મિશન ઈમ્પોસિબલ 8’ ક્યારે રિલીઝ થઈ રહી છે?
આ ફિલ્મમાં હેલી એટવેલ, વિંગ રેમ્સ, સિમોન પેગ, વેનેસા કિર્બી, પોમ ક્લેમેટિફ, શિયા વ્હીઘમ, એન્જેલા બેસેટ, ઈસાઈ મોરાલેસ, હેનરી ચેર્ની, હોલ્ટ મેકકેલેની, નિક ઑફરમેન અને ગ્રેગ ટારઝન ડેવિસ છે. ચાહકોને જણાવી દઈએ કે ‘મિશનઃ ઈમ્પોસિબલ – ધ ફાઈનલ રેકનિંગ’ આવતા વર્ષે 23 મે, 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.