થોડા દિવસો પહેલા, ગોવિંદા અને સુનિતા છૂટાછેડાના સમાચારને કારણે હેડલાઇન્સમાં હતા. જોકે, હવે સુનિતાએ છૂટાછેડાની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. આ સાથે, છૂટાછેડાના ખોટા સમાચાર ફેલાવનારાઓને પણ સખત ઠપકો આપ્યો છે. આ દરમિયાન તેણે પોતાના પુત્ર યશવર્ધનના બોલિવૂડ ડેબ્યૂ અને પુત્રી ટીનાના ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ વિશે પણ વાત કરી. સુનિતા આહુજાએ ટ્રોલર્સની ઝાટકણી કાઢી સુનિતા આહુજાએ તાજેતરમાં એબીપી ન્યૂઝ સાથે વાત કરી. આમાં તેણે પોતાને કરવો પડેલો ટ્રોલિંગનો સામનો અને છૂટાછેડાની અફવાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણે કહ્યું કે ભલે લોકો નકારાત્મક વાતો કરે, પણ તેણે દરેક વસ્તુને સકારાત્મક રીતે લેવાનું શરૂ કરી દીધું છે. છૂટાછેડાની અફવાઓ ફેલાવતા લોકોનો ઉલ્લેખ કરતા સુનિતાએ કહ્યું, ‘તે કાં તો પોઝિટિવ છે અથવા નેગેટિવ. જો કંઈક પોઝિટિવ છે, તો મને તેના વિશે ખબર છે. પણ જો કંઈક નેગેટિવ છે તો મને લાગે છે કે, લોકો કૂતરા છે, તેઓ ચોક્કસ ભસશે. જ્યાં સુધી હું કે ગોવિંદા અમારા સંબંધો વિશે કંઈ ન કહીએ ત્યાં સુધી કોઈએ કંઈ માનવું જોઈએ નહીં.’ દીકરા અને દીકરીના બોલિવૂડ ડેબ્યૂ વિશે પણ વાત કરી સુનિતાએ તેના પુત્ર યશવર્ધન આહુજાના બોલિવૂડ ડેબ્યૂ વિશે વધુ વાત કરી અને કહ્યું કે તેણે હંમેશા તેના પુત્રને પોતાની ઓળખ બનાવવાનું કહ્યું છે. સુનિતાએ કહ્યું, ‘હું મારા દીકરાને હંમેશા કહું છું કે તું પોતાને યશવર્ધન બનાવીને દેખાડ. ગોવિંદા બનવાનો પ્રયાસ ન કરીશ. ગોવિંદા પોતાની જગ્યાએ છે, તેના જેવો કોઈ બીજો ન બની શકે.’ નોંધનીય છે કે, યશે ‘ઢિશૂમ’, ‘બાગી’ અને ‘કિક 2′ જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.’ સુનિતાએ એ પણ ખુલાસો કર્યો કે તેની પુત્રી ટીના બીજા કામમાં વ્યસ્ત છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવી રહી છે. છૂટાછેડાના સમાચાર કેવી રીતે શરૂ થયા? સુનિતા આહુજાએ થોડા દિવસો પહેલા હિન્દી રશને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે અને ગોવિંદા છેલ્લા 12 વર્ષથી અલગ રહે છે. બીજા એક ઇન્ટરવ્યૂમાં, તેણે કહ્યું કે તે એકલા દારૂ પીને પોતાનો જન્મદિવસ ઉજવે છે. સુનિતાના આ નિવેદનો વાયરલ થયા અને છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સ બન્યા. આ સમય દરમિયાન, મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 61 વર્ષીય ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે અફેર હતું. આ કારણોસર, સુનિતા 38 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા માગે છે.’