‘સ્કેમ 1992’ વેબ સિરીઝ પછી એક્ટર પ્રતિક ગાંધીએ દર્શકોના દિલ જીતી લીધા છે. તે પોતાની દરેક ભૂમિકામાં એક નવો જીવ રેડી દે છે. ‘ધૂમ ધામ’ ફિલ્મની સફળતા પછી તે હવે ફિલ્મ ‘ફુલે’માં જ્યોતિબા ફુલે (સમાજ સુધારક)ની ભૂમિકા ભજવશે. આ ઇન્ટરવ્યૂમાં, તેણે પોતાની કરિયાર, પડકારો અને ભવિષ્યની યોજનાઓ વિશે ખૂલીને વાત કરી… ‘ધૂમ ધામ’ માટે કેવા પ્રતિભાવો મળ્યા? ‘ધૂમ ધામ’ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. લોકોએ ખૂબ પ્રેમ અને પ્રશંસા આપી. મને ખૂબ મજા આવી. આ એક એવી ફિલ્મ હતી, જેને આખો પરિવાર સાથે મળીને જોઈ શકે. કદાચ એટલા માટે જ અલગ અલગ ઉંમરના દરેક લોકોને ખૂબ પસંદ આવી છે. મોટાભાગનો પ્રતિસાદ એ હતો કે, ફિલ્મ મનોરંજક છે. બાકી અમારા સુધી તો સોશિયલ મીડિયા કે અખબારો મારફતે પ્રતિક્રિયા પહોંચે છે. ક્યારેક ઇન્ટરવ્યૂમાં વાતચીત થાય, ત્યારે ખબર પડે કે, અમે પ્રેક્ષકોને કેટલી હદે પ્રભાવિત કરવામાં સફળ રહ્યાં છીએ. ‘ફુલે’ ફિલ્મમાં પાત્રને આત્મસાત કરતા કેટલો સમય લાગ્યો? મેં ‘અગ્નિ’ ફિલ્મમાં મરાઠી પાત્ર ભજવ્યું છે. તેથી મરાઠી ભાષા કે મરાઠી ઉચ્ચારણમાં વધુ મુશ્કેલી નહોતી પડી. છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં રહીને મરાઠી સાંભળી-સાંભળીને હું શીખી ગયો છું. મે ગ્રેજ્યુએશન પણ જલગાંવથી કર્યું છે, જેથી મરાઠી ભાષાથી હું એટલો અજાણ નહતો. હા, તેનું વ્યાકરણ હજુ એકદમથી મારા મગજમાં નથી આવતું કે, હું તેને સરળતાથી બોલી શકું પરંતુ જે સંવાદો લખેલા હોય છે, તેને બોલવામાં સરળતા રહે છે. મેં ‘ફુલે’ ફિલ્મમાં જ્યોતિબા ફુલેની ભૂમિકા ભજવી છે. તેમણે ઇતિહાસ, સમાજ અને સમગ્ર દેશમાં પરિવર્તન લાવવા માટે જે કામ કર્યા છે, તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનું પાત્ર ભજવતા પહેલા તેમના વિશે જાણવું વધુ મહત્વનું હતું. મેં શાળામાં જે કંઈ પણ ભણ્યું, તે ખૂબ જ ઓછું હતું. જ્યારે મેં સંશોધન કર્યું, ત્યારે આ વાર્તા દ્વારા મને તેમના વ્યક્તિત્વ અને જીવન વિશે ખૂબ વિગતવાર જાણવા મળ્યું. બાકી તેના ડિરેક્ટર અનંત મહાદેવનજી છે. લેખક પણ તે જ છે, જેથી આ માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે. તેમનું માનવું હતું કે, જો આપણે અંગ્રેજો કે કોઈપણ બાહ્ય શક્તિ સામે લડવું હોય, તો તે લડાઈ શસ્ત્રોથી જીતી શકાતી નથી. તે ફક્ત જ્ઞાન દ્વારા જ જીતી શકાય છે. તેથી તેમના પાત્ર વિશે જાણવું વધુ મહત્વનું હતું. ‘ફુલે’ માટે તમને ક્યારે સંપર્ક કરવામાં આવ્યો હતો? મેં અનંત મહાદેવનજી સાથે ‘સ્કેમ 1992’ માં પણ કામ કર્યું હતું. ‘સ્કેમ’ સિરીઝની રિલીઝ પછી તેમણે મારો સંપર્ક કર્યો. તેમણે મારું નાટક ‘મોહનનો મસાલો’ પણ જોયું, જે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં હતું. જ્યારે તે ‘ફુલે’નું દિગ્દર્શન કરવાનું વિચારી રહ્યો હતો, ત્યારે તેણે મને કહ્યું કે, એક વિષય છે, જો તમને તે ગમશે તો આપણે સાથે કામ કરીશું. પત્રલેખા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? પત્રલેખા સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તે ખૂબ જ કુશળ કલાકાર છે. તેની પરફોર્મન્સ આપવાની અને સ્ક્રિપ્ટને સમજવાની પ્રક્રિયા ખૂબ સ્વાભાવિક છે. અમે પહેલા ઘણા સીનની ચર્ચા કરતાં હતાં. અમે આ આખી ફિલ્મ સતારા ક્ષેત્રમાં શૂટ કરી હોવાથી, અમે ઘણી વખત ઇમ્પ્રુવાઇઝ કરતાં હતાં. અમે બધા ઘરથી દૂર હતા અને એક કેમ્પમાં રહેતા હતા. આ ફિલ્મ દરમિયાન જ હું પત્રલેખાને મળ્યો અને તેની સાથે મિત્રતા થઈ. આમાં તે મારી પત્ની સાવિત્રી બાઈ ફુલેની ભૂમિકા ભજવી રહી છે. દર્શકો તમને દરેક ભૂમિકામાં પસંદ કરી રહ્યા છે. તમે શું કહેશો? જો આવું હોય તો, હું શું કહી શકું? મારા માટે એ ખૂબ મોટી વાત છે. જ્યારે આવી વાતો કહેવામાં આવે છે, ત્યારે સારું લાગે છે કે, હું આ જ ઇચ્છતો હતો અને હવે તે થઈ રહ્યું છે. દરેક અભિનેતા દર્શકોના હૃદય સુધી પહોંચવા માંગે છે. એક્ટર તરીકે, અમે એવું કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ, જે લોકોના હૃદયને સ્પર્શી જાય. નિર્માતાઓના મનમાં વસી જાય. જ્યારે પણ કોઈ ફિલ્મ નિર્માતા કોઈ પ્રોજેક્ટ બનાવવાનું વિચારે છે, ત્યારે તેના મગજમાં સૌથી પહેલા તમારો ચહેરો આવે. શું તમે એક્શન ફિલ્મમાં કામ કરવાનું વિચાર્યું છે? હું ખરેખર એક ફૂલ ઓન એક્શન ફિલ્મ કરવા માંગુ છું. હું એક પણ શૈલી છોડવા માંગતો નથી. હું દરેક પ્રકારનું કામ કરવા માંગુ છું. વ્યક્તિગત રીતે, મને ફિઝિક્સના નિયમોની બહારના એક્શન સમજાતા નથી. મને એવા એક્શન દ્રશ્યોમાં હસવું આવે છે, જ્યાં એક માણસ જમીન પર પગ પછાડે છે અને ઘણા લોકો પડી જાય છે. પણ શું કરું, લોકોને એ જ વસ્તુ ગમે છે. આવા દ્રશ્યો જોયા પછી મને વીડિયો ગેમનો અનુભવ થાય છે. તક મળશે ત્યારે હું ચોક્કસ એક્શન ફિલ્મમાં કામ કરીશ. મને એક-બે એક્શન ફિલ્મોની સ્ક્રિપ્ટો મળી હતી, પણ મને તે પસંદ ન આવી. આગામી પ્રોજેક્ટ્સ વિશે કંઈક શેર કરશો? ‘ઘમાસન’ નામની એક ફિલ્મ છે, જેનું દિગ્દર્શન તિગ્માંશુ ધૂલિયા કરી રહ્યા છે. તે એક કોપ ડ્રામા (પોલીસ પર આધારીત ફિલ્મ) છે. તે ફિલ્મ બની ગઈ છે. તાજેતરમાં જ તે સિનેવેસ્ટર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. તે પહેલાં MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં (Mumbai Academy of Moving Image એક જાહેર ટ્રસ્ટ છે) પણ તેની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. બાકી, ‘ફુલે’ 11 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.