નવસારી નજીક ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલા અને 1 પુરુષ નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે એક મહિલાનું મોત થયું છે અને એક યુવાન હજુ ગુમ છે. જે એક મહિલાનો દિયરે હોવાનું સામે આવ્યું છે. કેવી રીતે બની ઘટના?
ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન એક મહિલા નદીમાં ડૂબવા લાગી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ પાણીમાં ઉતરી, પરંતુ તેઓ પણ ડૂબી ગઈ. યુવકે ભાભીને બચાવવા ઝંપલાવ્યું
મહિલાઓને ડૂબતા જોઈને એક સ્થાનિક યુવકે તેની ભાભી સહિતની મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ, દુર્ભાગ્યવશ, તે યુવક પણ નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો. માછીમારોએ બચાવ કામગીરી કરી
નદી પાસેથી પસાર થઈ રહેલા માછીમારોએ તાત્કાલિક જાળ નાખી ત્રણ મહિલાઓનો જીવ બચાવ્યો. એક મહિલાનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. ભાભીનો જીવ ન બચ્યો
મૃતક મહિલા અને ગુમ થયેલો યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે, એક મહિલાનું મોત થયું છે અને એક યુવક હજુ ગુમ છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.