અજય દેવગણ અને રિતેશ દેશમુખ સ્ટારર ‘RAID 2’ નું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું છે. રોમાંચ અને દમદાર ડાયલોગ્સથી ભરેલું આ અઢી મિનિટનું ટ્રેલર અંત સુધી જકડી રાખે છે. ‘RAID’ ફિલ્મની સિક્વલમાં અજય દેવગણ ફરી IRS ઓફિસર અમય પટનાયકના રોલમાં દેખાશે. ટ્રેલરની શરૂઆત અમય પટનાયક રાજકારણી દાદા મનોહરભાઈના ઘરે રેડ પાડવા જાય છે ત્યાંથી થાય છે. ઘરની અંદર રહેલો શખ્સ તેને કહે છે કે, અંદર યે શસ્ત્ર ભારી દેખ રહે હો? ત્યારે આત્મવિશ્વાસ સાથે અમય જવાબ આપે છે કે, બહાર યે સરકારી કર્મચારી દેખ રહે હો? IRS ઓફિસર 75મી ‘રેડ’ પાડવા તૈયાર અગાઉ રામેશ્વર સિંહ ઉર્ફે ‘તાઉજી’ના ઘરે રેડ પાડીને બ્લેક મની જપ્ત કર્યાના સાત વર્ષ બાદ IRS ઓફિસર અમય પટનાયક તેની 75મી ‘રેડ’ પાડવા માટે તૈયાર છે. હવે તે રાજકારણી દાદા મનોહરભાઈ (રિતેશ દેશમુખ)ના ઘરે રેડ પાડવા જાય છે. ફિલ્મમાં સુપ્રિયા પાઠક દાદાભાઈના અમ્માના રોલમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે રામેશ્વર સિંહ ઉર્ફે તાઉજી (સૌરભ શુક્લા) પણ જોવા મળશે. ફિલ્મમાંથી ઇલિયાના ડી’ક્રુઝની બાદબાકી 2018માં રિલીઝ થયેલી ‘RAID’ ફિલ્મમાં ઇલિયાના ડી’ક્રુઝે અમય પટનાયક (અજય દેવગણ)ની પત્નીની ભૂમિકા ભજવી હતી. જોકે, ‘RAID 2’ માં સાત વર્ષનો લીપ દેખાડવામાં આવ્યો છે. અમય પટનાયકની એક દીકરી પણ છે, જ્યારે તેની પત્નીની ભૂમિકામાં વાણી કપૂર જોવા મળી રહી છે. “મેં તો પૂરી મહાભારત હું” વ્હાઈટ કોલર ક્રાઇમને ઉજાગર કરતી આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં દરેક સીનની સાથે સાથે ડાયલોગ્સ પણ દમદાર છે. અમય પટનાયક (અજય) જ્યારે દાદાભાઈને કહે છે કે, “ચક્રવ્યૂહ મેં ફસોગે તો ગુસ્સા તો આયેગા હી”, ત્યારે દાદાભાઈ (રિતેશ) સામે પ્રશ્ન કરે છે કે, “યે પાંડવ કબસે ચક્રવ્યૂહ રચને લગે”. જેનો વળતો જવાબ આપતા અમય કહે છે કે, “મૈને કબ કહા કી મેં પાંડવ હું, મેં તો પૂરી મહાભારત હું”. જ્યારે “વહાં કી સરકાર વહાં કે સીએમ નહીં, દાદાભાઈ ચલાતે હૈ” ડાયલોગ દાદાભાઈનું રાજકારણમાં વર્ચસ્વ દેખાડે છે. રિતેશ દેશમુખે ‘દાદાભાઈ’ના રોલમાં જીવ રેડી દીધો પોતાની કોમેડીથી સૌને પેટ પકડીને હસાવનારા રિતેશે ‘એક વિલન’ ફિલ્મથી સાબિત કરી દીધું હતું કે તે ગંભીર પાત્રો પણ દમદાર રીતે નિભાવી શકે છે. જે બાબત ‘RAID 2’ના ટ્રેલર પરથી પણ સાબિત થાય છે. સફેદ કપડાંમાં સજ્જ રિતેશ દેશમુખ ખરેખર રાજકારણી તરીકે શોભી રહ્યો છે. “અચ્છા નેતા હાથ કાલે નહીં કરતા” ડાયલોગ દ્વારા તે દાદાભાઈના રોલમાં જીવ રેડી દે છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે? પેનોરમા સ્ટૂડિયોઝ અને ટી-સિરીઝ પ્રોડક્શનના નેજા હેઠળ બનેલી અને રાજ કુમાર ગુપ્તા દ્વારા ડાયરેક્ટ કરાયેલી ‘RAID 2’ 1 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં અજય દેવગણ અને રિતેશ દેશમુખ ઉપરાંત વાણી કપૂર, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક, અમિત સિયાલ, રજત કપૂર જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શુટિંગ મુંબઈ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં થયું છે.