જયરામ મહેતા | જૂનાગઢ
રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાન્યતઃ મે મહિનાની પૂનમ દરમિયાન સિંહોની વસ્તી ગણતરી થતી હોય છે. 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં સિંહોની ગણતરી કરાશે. જેમાં પ્રથમ 24 કલાક અને પછી બીજા 24 કલાક એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. 2020માં 30,000 ચોરસ કિલોમીટરમાં કરાયેલી ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા. હવે રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં સિંહના આંટાફેરા હોવાથી આ વખતે બરડો અને બોટાદ સહિતના સ્થળો ગણતરીમાં વધી જશે અને સિંહની વસતી 900 પાર જઈ શકે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સિંહને 24 કલાકમાં એકવાર તો પાણી પીવું જ પડે એટલે પાણીના નિયત પોઈન્ટ આસપાસ વોચ રખાશે, જેમાં સિંહ કઈ બાજુથી આવ્યો અને કઈ બાજુ ગયો એની નોંધ રખાશે. 24 કલાકના ઓબ્ઝર્વેશન પછી નર, માદા અને પાઠડા (એમાં પણ નર અને માદા કેટેગરીવાઈઝ) કેટલા હતા એ નક્કી થશે. આ વખતે 5ના બદલે 10 વર્ષે ગણતરી થઈ રહી છે. 2020માં કોરોનાકાળના લીધે આ પ્રમાણે વિધિવત ગણતરી થઈ શકી નહોતી. જોકે, વન વિભાગ તો લગભગ દર પુનમે અવલોકન કરતો જ હોય છે એમ નિવૃત્ત સીસીએફ ડી. ટી. વસાવડાએ ભાસ્કરને કહ્યું હતું. અત્રે નોંધનીય છેકે, રાજ્યમાં પ્રથમવાર જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સાયન્સ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે સિંહના આરોગ્ય પર એક કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે.
સિંહોની વસ્તી વધી અને તેમની પસંદગીના સ્થળ ડુંગરા-પડતર જમીનોના પણ સોદા થવા માંડતા માનવ વસ્તી તરફ વળવું પડ્યુંવન વિભાગના સતત સંવર્ધન અને સંરક્ષણના લીધે લીધે સિંહોની વસ્તી પ્રતિ વર્ષ વધી રહી છે અને બીજી તરફ જમીનોના વેપારમાં પણ તેજી આવતા જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડુંગરાળ પ્રદેશ તેમજ પડતર જમીનનોના પણ સોદા થવા માંડ્યા એટલે વનરાજોએ નાછૂટકે માનવ વસાહત તરફ વળવું પડ્યું. અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા, બગસરા, લીલીયા, ક્રાંકચ, ભાવનગર જિલ્લાના પાલીતાણા, ગારીયાધાર, મહુવા, જેસર, તળાજા તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસાવદર, ઊના, ગીરગઢડા અને માળીયાહાટીના સહિતના તાલુકાઓમાં આવો ડુંગરાળ પ્રદેશ અને પડતર જમીનો છે, જેના મોટાપાયે સોદા થવા માંડ્યા છે. સિંહની વસ્તી ગણતરીની ચાલી આવતી રસપ્રદ પદ્ધતિઓ
{ વન વિભાગ દ્વારા 1963થી સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ લગાવાઇ રહ્યો છે
{ સૌથી પહેલા પગના નિશાન (ફૂટમાર્ક) પદ્ધતિથી ગણતરી થઈ હતી.
{ ફૂટમાર્ક બાદ રંગ દ્વારા સિંહોને ચિન્હિત કરવાના પ્રયાસ થયા હતા
{ 1968થી 1995 સુધી જીવિત શિકાર આપીને ગણતરી કરાતી હતી
{ 2000ની સાલ પછી વ્યક્તિગત ઓળખચિન્હો, જીપીએસ, સ્થાન, સમય અને રેડિયો કોલર તેમજ ફોટાથી સંખ્યા નક્કી કરવાનું શરૂ કરાયું, વોટર પોઇન્ટ પર વોચ રાખીને પણ ગણતરી થાય છે એ બધું જે તમે જાણવા માગો છો
{ સિંહ મોટાભાગે દિવસમાં બે વાર પાણી પીવે
{ સિંહ, સિંહણ કે તેના પાઠડા વિખૂટા પડી ગયા હોય તો એને બોલાવવા માટે મોઢેથી અવાજ કરે એને ‘હૂક’ કહે છે.
{ સિંહની હૂક અઢી કિમી સુધી સંભળાય છે.
{ સિંહ 32થી 40 વાર હૂકી શકે, જ્યારે સિંહણની હૂક 12થી 14 સુધીની જ હોય છે.
{ સિંહને રોજ 7 કિલો માંસ જોઈએ, તે 16થી 20 કલાક આરામ કરે છે.
{ સિંહ રાત્રે ઠંડકમાં શિકાર કરવાનું પસંદ કરે છે
{ માણસ કરતા તેની આંખો 6 ગણી વધારે સંવેદનશીલ હોય છે. 2020માં 30,000 ચો.કિ.મી.માં ગણતરી થઈ ત્યારે 674 સિંહ નોંધાયા હતા, હવે રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકામાં સિંહના આંટાફેરા : વનતંત્ર તૈયારીમાં લાગ્યું