આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે છૂટાછવાયાં રાજ્યોને ભારતમાં ભેળવવાનું બીડું ઝડપ્યું. એ વખતે નાનાં-મોટાં 562 રજવાડાં હતાં, જેમાંથી ઘણાં રજવાડાંએ તો આઝાદ રહેવાનો નિર્ણય કરી લીધો હતો, પણ સરદાર પટેલે આ બધાને દેશમાં ભેળવીને અખંડ ભારત બનાવ્યું. જે સરદાર પટેલે અખંડ ભારત બનાવ્યું તે સરદારના નામે કોંગ્રેસ ગુજરાતમાંથી અખંડ અને અડીખમ થવા મથી રહી છે. સવાલ એ છે કે સરદારના નામે કોંગ્રેસ અખંડ બની શકશે? નમસ્કાર, કોંગ્રેસનું ગુજરાતનું અધિવેશન કોંગ્રેસને નવી દિશા આપશે કે કેમ, એ આવનારો સમય કહેશે, પણ ભાજપે જે સરદાર પટેલનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ બનાવ્યું એ જ સરદારને કોંગ્રેસને હવે યાદ આવ્યું છે કે સરદાર નામનું વ્યક્તિત્વ-પ્રતીક ભાજપે આપણી પાસેથી ચોરી લીધું છે. અમદાવાદમાં સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પસાર કરેલા એક ઠરાવમાં ભારપૂર્વક જણાવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંબંધો હંમેશાં ગાઢ રહ્યા હતા, પણ વેરવૃત્તિ અને વિભાજનકારી તત્ત્વો આ બંને વચ્ચેની પ્રેમ, બંધુત્વ અને સહકારની ભાવનાને વિભાજન અને વહેમમાં ફેરવવા માગે છે. અમદાવાદનું અધિવેશન કોંગ્રેસ માટે કેમ મહત્ત્વનું? સમજો પિરામિડ આ 5 પોઇન્ટમાં 1. આ 5 વિભૂતિના વિચાર જન જન સુધી પહોંચાડાશે 2. ભાજપના ગુજરાત મોડલ સામે કોંગ્રેસનું ગુજરાત મોડલ 3. વિચારધારાથી 5 પ્રહાર કરશે 4. ગુજરાતમાંથી મોદી પર રાહુલના વ્યક્તિગત 5 પ્રહાર 5. ભાજપના ગુજરાત વિકાસ મોડલની 5 ખામી ખડગે બોલ્યા, સરદાર પટેલ અમારા હૃદય અને વિચારોમાં વસે છે
મુઘલ સમ્રાટ શાહજહાંએ 1622માં બંધાવેલો મોતીશાહી મહેલ, જેને 1978માં સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવી નાખવામાં આવ્યો, એ ઐતિહાસિક ઇમારતના પટાંગણમાં મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ મળી હતી. કારોબારી સમિતિની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા, તેલંગાણા મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી, કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્યો, પ્રમુખો મળીને 158 નેતાએ હાજરી આપી. વર્કિંગ કમિટીને સંબોધિત કરતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ એકબીજા વિરુદ્ધ હતા એવું દર્શાવવા માટે કાવતરું ઘડાઈ રહ્યું છે. 140 વર્ષથી લોકોની સેવા કરી રહેલી કોંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ કામ એ લોકો કરી રહ્યા છે, જેમની પાસે દેખાડવા જેવી પોતાની કોઈ સિદ્ધિઓ નથી. હકીકત એ છે કે સરદાર અને નહેરુ એક સિક્કાની બે બાજુ જેવા હતા. તમામ ઘટનાઓ અને દસ્તાવેજો તેમના વચ્ચેના મધુર સંબંધોના સાક્ષી છે. સરદાર પટેલ સાહેબ અમારા હૃદય અને વિચારોમાં વસે છે. અમે તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છીએ. કોંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રદેશોમાંથી સૌથી વધુ બળ મળ્યું છે એમાં ગુજરાત અગ્રેસર છે. જે રીતે સરદાર પટેલે રજવાડાં એક કર્યાં, એ નીતિથી કોંગ્રેસ એક બનીને રહેશે
કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જે ઠરાવ પસાર કર્યો એમાં સરદાર પટેલના નામથી વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સરદાર પટેલની બળવાન નેતાગીરી અને જવાહરલાલ નહેરુના વડપણે દેશનાં 560 રાજ્યનું વિલીનીકરણ કરીને આપણા લોકતાંત્રિક દેશનો પાયો નાખ્યો. ફરી એક વખત સરદાર પટેલે ચીંધેલા માર્ગે ચાલીને કોંગ્રેસ એકતાની ભાવનાને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. ભાજપ છેલ્લાં કેટલાંક વર્ષોથી આક્ષેપ કરી રહ્યો છે કે જવાહરલાલ નહેરુના વડપણવાળી કોંગ્રેસે દેશને સ્વતંત્રતા મળ્યા બાદ સરદાર પટેલને અન્યાય કર્યો હતો અને એવા પણ આક્ષેપ કરે છે કે નહેરુ અને પટેલ વચ્ચે સબંધો સુમેળભર્યા નહોતા. સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુના સંબંધનો અજાણ્યો કિસ્સો
30 જાન્યુઆરી 1948એ દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. હત્યાના સમાચાર મળતાં જ બિરલા હાઉસમાં જે પત્રકારો પહોંચ્યા હતા એમાં વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર પણ સામેલ હતા. એ વખતે નૈયર ‘અંજામ’ નામના એક ઉર્દૂ અખબારમાં કામ કરતા હતા. ગાંધીજીની હત્યાની ખબર મળતાં જ નૈયર બિરલા હાઉસ દોડી ગયા હતા. નૈયર લખે છે કે ‘ત્યાં ગાંધીજીનો મૃતદેહ પડ્યો હતો અને સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બાજુમાં ઊભા હતા.’
એ વખતે પણ એવું મનાઈ રહ્યું હતું નહેરુ અને પટેલ વચ્ચે મતભેદો છે, પણ ગાંધીજીની હત્યા થયા બાદ નહેરુએ કહ્યું હતું કે ‘સરદાર પટેલ મારી સાથે છે. જે રીતે ગાંધીજીએ કહ્યું હતું એ રીતે જ અમે બન્ને સાથે મળીને દેશને ચલાવીશું.’ ગાંધીજીની હત્યા થયા બાદ સરદારે ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું પણ આપ્યું હતું, જોકે નહેરુએ સરદારનું રાજીનામું ફગાવી દીધું હતું અને સરદારને સાથ આપ્યો હતો.’ કોંગ્રેસે ગાંધી વિચારોને છોડ્યા નથી, એટલે મજબૂત છે
કોંગ્રેસની નસનસમાં ગાંધીવિચારો વહે છે. આટલાં વર્ષો થયાં, પેઢીઓ બદલાઈ ગઈ, પણ કોંગ્રેસમાં એક સારી વાત એ છે કે તેણે ક્યારેય ગાંધીવિચારોની બહાર પગ નથી મૂક્યો. અમદાવાદના અધિવેશનમાં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે 1947માં ગાંધીજીએ કોંગ્રેસની મિટિંગમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમણે કહેલું કે કોંગ્રેસ સમગ્ર દેશની સેવિકા છે. સાંપ્રદાયિક સંસ્થા અને તેના ઝેરીલા સિદ્ધાંતોને તથા કામોને ઉચિત ઉત્તર એ હશે કે કોંગ્રેસ પ્રબળ જનમત તૈયાર કરે, જેથી તે પ્રભાવહીન થઈ જાય. જનમત તૈયાર કરવાની જવાબદારી આપણી છે અને ઝેરીલા સિદ્ધાંતોને જવાબ આપવા માટે આપણે એક થઈને લડવું જરૂરી છે. 1920થી 1947 વચ્ચે કોઈ એવો પ્રસ્તાવ નથી, જેના પર ગાંધીજીની છાપ ન હોય.
રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ પોતાના ઉદ્બોધનમાં ગાંધીજીને યાદ કરીને કહ્યું, યે કિસને કહા આપસે આંધી કે સાથ હૂં, મૈં ગોડસે કે દૌર મેં ગાંધી કે સાથ હૂં… ભાજપની લેબોરેટરીમાં કોંગ્રેસના પ્રયોગ સફળ થશે?
ગુજરાત એ ભાજપની લેબોરેટરી રહી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બીજી કોઈ પાર્ટી વિજેતા થઈ નથી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા છે. ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ દેશના ગૃહમંત્રી બની ગયા છે. આ બધું ગુજરાત મોડલના કારણે સંભવ બન્યું છે. કોંગ્રેસ ગુજરાતમાં પગ જમાવવા માગે છે એ સાચું, પણ આ વખતનું અધિવેશન એટલે ગુજરાતમાં યોજ્યું કે અહીંથી કોંગ્રેસ દેશભરમાં સંદેશો આપવા માગે છે. કોંગ્રેસ જાણે છે કે જ્યારે પણ દેશમાં નવી રાજકીય સંસ્કૃતિ ઊભી થાય છે એ ગુજરાતથી શરૂ થાય છે, એટલે તમે જો ગુજરાતના મોડલને તોડો તો સમગ્ર દેશમાં એની અસર થાય, એટલે અહીંથી એક નવું મોડલ ઊભું કરવું એ કોંગ્રેસની પ્રાયોરિટી હોઈ શકે. બીજું, આ અધિવેશનથી કાર્યકર્તાઓમાં સંદેશ જશે કે કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઈ છે અને પક્ષની રાષ્ટ્રીય નેતાગીરીને ગુજરાતમાં રસ છે. એનાથી એવી શક્યતા છે કે ઘણા નિષ્ક્રિય કાર્યકર્તાઓ પણ ફરીથી સક્રિય થશે અને જો આવું થાય તો એની મોટી અસર પડી શકે. વળી, ગુજરાતના જનમાનસ સુધી પણ સંદેશ જશે કે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં થયું. એનાથી જે લોકો કોંગ્રેસને ગુજરાતમાં ગંભીરતાથી લેતા નથી તેમની માનસિકતા પણ બદલાઈ શકે છે. કોંગ્રેસ માટે પડકારો હતા, છે ને રહેશે…
ગુજરાતના રાજકારણમાં બંને પક્ષની સરખામણી કરીએ તો સુધારાનો અવકાશ એ કોંગ્રેસ પાસે છે, પણ જો એ પ્રજા સુધી નહીં જાય તો કશું શક્ય નથી. રાહુલ ગાંધી ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થાય, પરંતુ તેના માટે તેમની પાસે સેના અને સેનાપતિ બંને મજબૂત હોવા જોઈએ. ગુજરાત કોંગ્રેસ પાસે બંને નથી. ગુજરાત કોંગ્રેસને લડાયક નેતા અને પૂરતા ફંડની ખાસ જરૂર છે. કોંગ્રેસ પાસે સંગઠન ચલાવવા માટે પૈસા જ નથી, એ પણ વાસ્તવિકતા છે. બીજું, ગુજરાતી હિન્દુઓના માનસપટ પર એક જ ડર સવાર છે કે મુસ્લિમોથી આપણને કોણ બચાવે. વિકાસની વાતો ગુજરાતીઓના દિલોદિમાગ પર છવાયેલી છે. જ્યાં સુધી કોંગ્રેસ આ માનસિકતા ભૂંસવામાં સફળ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસનો પગ નહીં જામી શકે. ગુજરાતમાં કોંગ્રેસની ચડતી-પડતી
ગુજરાતમાં કોંગ્રેસે 1985માં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ‘ખામ’ થિયરીને આધારે કોંગ્રેસે 182માંથી 149 બેઠક જીતી હતી. 1990ની ચૂંટણીમાં કોંગ્રેસના ચીમનભાઈ પટેલ જનતા દળ બનાવીને લડ્યા અને કોંગ્રેસને ફાળે માત્ર 33 બેઠક જ આવી. આ ચૂંટણીથી ગુજરાતમાં ભાજપની પણ જબરદસ્ત એન્ટ્રી થઈ અને તેને 67 બેઠક મળી. એ પહેલાં ભાજપને ગુજરાતમાં 1980 અને 1985માં મોટી સફળતા મળી નહોતી. 1995માં ભાજપે ગુજરાતમાં પહેલીવાર પૂર્ણ બહુમતીથી ચૂંટણી જીતી અને 121 બેઠક સાથે સરકાર બનાવી. એ પછી સમય જતાં કોંગ્રેસ નબળી પડતી ગઈ અને 1998માં કોંગ્રેસે 53, 2002માં 51, 2007માં 59 અને 2012માં 61 બેઠક જીતી હતી. 2017ની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું અને હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ત્રિપુટીએ ગુજરાતમાં ભાજપ સામે તીવ્ર સત્તાવિરોધી લહેર ઊભી કરી હતી. તેમ છતાં કોંગ્રેસને માંડ 77 બેઠક મળી હતી અને સરકાર નહોતી બનાવી શકી, પરંતુ ભાજપ 99 બેઠકો સાથે માંડ-માંડ સરકાર બનાવી શક્યો. અર્જુન મોઢવાડિયા, સી.જે. ચાવડા, જવાહર ચાવડા જેવા દિગ્ગજોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
2012થી 2023 સુધીમાં કોંગ્રેસના 45થી વધુ ધારાસભ્યો કે સાંસદોએ પક્ષ છોડી દીધો. કોંગ્રેસમાં 40 વર્ષથી રહેલા અને પૂર્વ કોંગ્રેસ-પ્રમુખ અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો. 2022ની ચૂંટણીમાં એની એટલી ખરાબ અસર પડી કે કોંગ્રેસ માત્ર 17 બેઠક પર સમેટાઈ ગઈ. ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસે જીતેલી આ સૌથી ઓછી બેઠકો હતી. વધુમાં ગુજરાતમાં ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને તેણે પાંચ બેઠક જીતી અને કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું. 2022માં કોંગ્રેસના 17 ધારાસભ્ય જીત્યા હતા, એમાંથી 5 કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા. હવે કોંગ્રેસ પાસે 12 ધારાસભ્ય માંડ છે. લોકસભાની વાત કરીએ તો 2009માં કોંગ્રેસ પાસે ગુજરાતમાંથી 26માંથી 11 સાંસદ હતા. 2014 અને 2019માં એની સંખ્યા શૂન્ય થઈ ગઈ. જ્યારે 2024માં કોંગ્રેસે એક બેઠક જીતી ને ગેનીબેન ઠાકોર સંસદમાં ગયાં. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની 68 નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતી શકી. કોંગ્રેસે લોકસંપર્ક વધારવો પડશે, બૂથવાઇઝ કામગીરી કરવી પડશે
ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે ચૂંટણી પહેલાં ઘરે ઘરે જનસંપર્ક કરે છે. બૂથવાઈઝ પેજ પ્રમુખ હોય છે. ચૂંટણીના દિવસે માઈક્રો મેનેજમેન્ટ હોય છે. કોંગ્રેસ આ બધામાં ઊણી ઊતરી છે. જો કોંગ્રેસે ગુજરાતમાં પગ જમાવવો હોય તો ભાજપ જેવી જનસંપર્કની સ્ટ્રેટેજી સાથે કામ કરવું પડશે. કોંગ્રેસ પાસે ભાજપ જેટલા કાર્યકરોની ફોજ નથી. યુવા કાર્યકરો તૈયાર કરવા પડશે. સેવાદળ થકી કોંગ્રેસે પહેલા સંગઠનો ઊભાં કરવાં પડશે. કોંગ્રેસ પાસે કોઇ બળવાન નેતૃત્વ નથી, વિચારશીલ કાર્યકર નથી, તેનો કાર્યકર્તા હવે હતાશ છે, પહેલાં હતાશ નહોતો ત્યારે પણ મૂળમાં કામ નહોતા કરતા. આજે એવું થયું છે કે સેવાદળમાં ચપટીક કાર્યકરો છે. કોંગ્રેસને બેઠી થવામાં આટલાં કામ કરવામાં આવે તોપણ 4-5 વર્ષ નીકળી જાય. કોંગ્રેસ જાગી તો છે, પણ બહુ મોડી જાગી છે. છેલ્લે,
મહાત્મા ગાંધીજી હરિજન સમાચારપત્રમાં તંત્રી લેખ લખતા હતા. વોલ્યુમ 90 પેજ 497 અને 498માં મહાત્મા ગાંધીએ જે તંત્રીલેખ લખ્યો તે તેમનો અંતિમ તંત્રીલેખ બની રહ્યો. એ એડિટોરિયલમાં ગાંધીજીએ લખ્યું છે કે કોંગ્રેસને મરવા દેવી જોઇએ નહીં. કોંગ્રેસ ત્યારે જ મરશે, જ્યારે આ દેશ મરશે. સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. (રિસર્ચઃ યશપાલ બક્ષી)