સુરતમાં 118 રત્નકલાકારને ઝેરી દવાની અસરની ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનભ જેમ્સ નામના કારખાનામાં ઘટના બની છે. કારખાનામાં 120 જેટલા રત્નકલાકાર કામ કરતા હતા. 118 રત્નકલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થતાં સારવાર માટે બે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી બે દર્દી આઇસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 116 દર્દીની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્ત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કારીગરોને માથું દુ:ખવું અને ચક્કર આવતા હતા: નટવરભાઈ
અનભ જેમ્સમાં કામ કરતા અને હોસ્પિટલમાં દાખલ નટવરભાઈએ જણાવ્યું હતું કે, અમે અનભ જેમ્સમાં કામ કરીએ છીએ. સવારે મેં પાણી પીધું તે સમયે વાસ આવતી હતી. તે દરમિયાન શેઠને જાણ કરી હતી અને શેઠે જોયું તો તેમાં દવા હતી. અમુક કારીગરોને માથું દુ:ખવું અને ચક્કર આવતા હતા એટલે તાત્કાલિત એડમિટ કર્યા. 120 જટેલા લોકો છે. અત્યારે બધાને સારૂ છે. આવું કોણે કર્યું એ અમને ખબર નથી. 9:30 વાગ્યા આસપાસ જાણ થઈ કે પાણીમાં દવા મેળવી છે
હોસ્પિટલમાં દાખલ કિશન જાદવે જણાવ્યું હતું કે, હું અનજ જેમ્સમાં કામ કરું છે. સવારે 8 વાગ્યે કામે ગયો હતો. રૂટિન પ્રમાણે હિરા લીધા અને હિરા ઘસતો હતો અને પાણી પીધું. 9:30 વાગ્યે આસપાસ જાણ થઈ કે પાણીમાં દવા મેળવી છે. બધાને ખબર પડી એટલે સારવાર માટે આવ્યા હતા. અમુકને માથું દુખતું હતું અને પેટમાં દુ:ખાવો થતો હતો. કેટલાકને ચક્કર આતા હતા. પીવાના પાણીમાં કોઈ ઝેરી દેવા નાખી દીધી હતી
અનભ જેમ્સના માલિક જીવરાજભાઈએ જણાવ્યું હતું કે, પીવાના પાણીમાં કોઈ ઝેરી દેવા નાખી દીધી હતી. પછી કિરણ હોસ્પિટલમાં બધાને લઈને આવ્યા હતા. સવારે 10 વાગ્યા પહેલાં આ ઘટના બની હતી. 104 કારીગરોને અહીં લાવ્યા છીએ. કુલ 118 કારીગરોને અસર થઈ હતી. પોલીસ તપાસ બાદ આ કૃત્ય કોણે કર્યું તે ખબર પડશે. 118 રત્નકલાકારને ઝેરની અસર, બે દર્દી ICUમાં દાખલ
કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીમાંથી બપોરે 12:30 વાગ્યા આસપાસ 118 જેટલા રત્ન કલાકારોને પાણી પીધા બાદ ઝેરની અસર થઈ હતી. વોટર ટેંકની અંદર સેલફોસ નામની ઝેરી દવા નાખી દેવામાં આવી હતી જેથી આ રત્નકલાકારોને તેની અસર થઈ હતી. કિરણ હોસ્પિટલની અંદર 104 દર્દીઓને લાવવામાં આવ્યા હતા. 102 દર્દીઓ જનરલ વોર્ડમાં દાખલ છે. આ તમામ દર્દીઓ હાલ આઉટ ઓફ ડેન્જર છે. જ્યારે બે દર્દી રવિ કિરણ પ્રજાપતિ (ઉં. વ. 30) અને જયદીપ બારીયા (ઉં.વ.23) આઇસીયુમાં સારવાર હેઠળ છે. આઇસીયુમાં દાખલ દર્દીને 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. તેમના હાર્ટના જે પેરેમીટર છે જેમ કે, ECG, બ્લડ પ્રેશર આ તમામ પેરામીટરનું ક્લોઝ મોનિટરિંગ કરવું પડે છે. કેમ કે આ સેલ્ફોસ પોઇઝનિંગ છે. સૌથી પહેલાં હાર્ટમાં અસર કરે છે, લંગમાં અસર કરે છે. ત્યાર બાદ અન્ય ઓર્ગનમાં અસર કરે છે. ઉલ્લેખનીય છે કે, અન્ય 14 દર્દીઓ ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમની હાલત હાલ સામાન્ય છે. રાજ્ય શિક્ષણમંત્રી કિરણ હોસ્પિટલમાં રત્નકલાકારોની લીધી
કાપોદ્રાની ડાયમંડ ફેક્ટરીના 100થી વધુ રત્નકલાકારોને ઝેરી અસરથી કિરણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા કિરણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત રત્નકલાકારોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, તમામના બોડી ચેકઅપ કરાવી 24 કલાક માટે ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે. કોઈપણ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું કુલરમાં નાખી દીધું છે. ડીસીપી, કમિશનર સહિત પોલીસના તમામ વ્યક્તિઓ અહીં હાજર છે. ડોક્ટરની ટીમ સહિત તમામ લોકો એકપણ રત્નકલાકારને સહેજ પણ પ્રોબ્લમ ન આવે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્ત્વએ પાણીમાં સેલ્ફોસની દવાની પડીકી નાખી
આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આજે કપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલેનિયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામની કંપની છે, એમાં સવારે એક ઘટના બની, જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસામાજિક તત્ત્વેએ સેલ્ફોસની પડીકી નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી. આ મામલે તપાસ કરવા અમે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.