સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. બારડોલી, કામરેજ, ઓલપાડ, ઉમરપાડા અને પલસાણા સહિતના વિસ્તારોમાં ઉષ્ણતામાન વધવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર સક્રિય થયું છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. આકરી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. જોકે, પવનની ગતિમાં થોડો વધારો થતાં લોકોને બફારામાંથી આંશિક રાહત મળી રહી છે. ગરમીની અસરને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને સૂર્યની સીધી અસરથી બચવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.