સમુદ્ર તરફથી આવતાં ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારને ચપેટમાં લીધો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલ મહિનામાં પહેલીવાર તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થતા ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો છે. હજુ આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ અગાઉ રાજકોટમાં 14 એપ્રિલ, 2017 ના રોજ 44.8 ડિગ્રીનો રેકોર્ડ હતો. આ ઉપરાંત અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 52 વર્ષના ઇતિહાસમાં અમેરલીનો 7 મો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ડીસાના 43.6 ડિગ્રી તાપમાનના કારણે 93 વર્ષનો 10 મો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. જ્યારે પોરબંદરનું 43 ડિગ્રી તાપમાનના કારણે 65 વર્ષના ઇતિહાસમાં છઠ્ઠો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આજે 4 જિલ્લામાં હીટવેવની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટ
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવનું યલ્લો એલર્ટ રહી શકે છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતાં ભેજના કારણે અસહ્ય ઉકળાટ રહી શકે છે. જો કે, શુક્રવારથી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યનું વાતાવરણ પલટાઇ શકે છે. સપ્તાહના અંતે ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.