સની દેઓલ ફરી એકવાર થિયેટર્સમાં ધૂમ મચાવવા આવી ગયો છે. સાઉથ સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર ગોપીચંદ માલિનીની ફિલ્મ ‘જાટ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રણદીપ હુડ્ડા, રેજીના કેસાન્ડ્રા, વિનીત કુમાર સિંહ, પ્રશાંત બજાજ અને સયામી ખેર જેવા સ્ટાર્સ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 40 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યા છે. ફિલ્મની વાર્તા શું છે? ફિલ્મની વાર્તા 2009માં શ્રીલંકાના યુદ્ધગ્રસ્ત જંગલોથી શરૂ થાય છે. રણતુંગા (રણદીપ હુડા) LTTEનો ભૂતપૂર્વ સભ્ય છે. જંગલમાં ખોદકામ કરતી વખતે તેને સોનાની ઇંટોથી ભરેલી એક મોટી પેટી મળે છે. તેને લાલચ જાગે છે અને તેના સાથીઓ સાથે, શ્રીલંકાના સૈન્ય અધિકારીઓને મારવા માટે સોનાની ઇંટોથી ભરેલી મોટી પેટી સાથે ગેરકાયદેસર રીતે દક્ષિણ ભારતમાં આવે છે. ભારત આવ્યા પછી, તેનો ક્રૂર ચહેરો લોકો સમક્ષ પ્રગટ થાય છે. જે પણ તેના માર્ગમાં આવે છે, તેને નિર્દયતાથી મારી નાખે છે. પછી બ્રિગેડિયર બલદેવ પ્રતાપ સિંહ ઉર્ફે જાટ (સન્ની દેઓલ)ની એન્ટ્રી થાય છે અને રણતુંગાના સામ્રાજ્યનો નાશ કરે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે? આ ફિલ્મમાં સની દેઓલના ‘ઢાઈ કિલો કા હાથ’ની તાકાત સ્પષ્ટપણે દેખાઈ આવે છે કારણ કે તેણે બ્રિગેડિયર બલદેવ પ્રતાપ સિંહ ઉર્ફે જાટની ભૂમિકા ભજવી હતી. તે ફરી એકવાર પોતાની નેચરલ એક્ટિંગથી દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો છે. રણદીપ હુડ્ડાએ ‘રણતુંગા’ની ભૂમિકામાં પોતાનો જીવ રેડી દીધો છે. એક જટિલ ખલનાયક તરીકે, તેનું પાત્ર સત્તા, પૈસા અને બદલાની અતૃપ્ત ભૂખથી પ્રેરિત છે, જે ફિલ્મને ઊંડાણભરી બનાવે છે. રણતુંગાની પત્નીની ભૂમિકામાં રેજીના કૈસન્ડ્રાએ જબરદસ્ત કામ કર્યું છે. રણતુંગાના નાના ભાઈ સોમુલુની ભૂમિકામાં વિનીત કુમાર સિંહ પ્રભાવશાળી લાગે છે. તે જ સમયે, આ ફિલ્મમાં પોલીસ અધિકારી વિજયલક્ષ્મીની ભૂમિકામાં સૈયામી ખેર એક અલગ જ અવતારમાં જોવા મળી છે, જેણે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે? આ ફિલ્મની વાર્તા ફિલ્મના ડિરેક્ટર ગોપીચંદ માલિનીએ પોતે લખી છે. ફિલ્મની વાર્તા અને પટકથા દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ જ સુંદર છે. એક્શન સિક્વન્સમાં ઘણી હિંસા છે, પરંતુ દરેક એક્શન સિક્વન્સ સીન પાછળ એક ભાવનાત્મક સફર છે, જેને ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. સંગીત કેવું છે? ફિલ્મનું ‘ઓ રામ શ્રી રામ’ ગીત ખૂબ જ કર્ણપ્રિય છે. આ ગીત સાથે સની દેઓલ ફિલ્મમાં એન્ટ્રી કરે છે. ઉર્વશી રૌતેલા પર ફિલ્માવવામાં આવેલું ‘સોરી બોલ’ ગીત દમદાર છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની વાર્તાને એક નવું પરિમાણ (ડાયમેન્શન) આપે છે. અંતિમ નિર્ણય, ફિલ્મ જોવી કે ન જોવી ફિલ્મની વાર્તા ક્યાંક રામાયણથી પ્રેરિત છે. જેને આધુનિક વાતાવરણમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. એક્શન પ્રેમીઓ, પૌરાણિક કથાઓમાં રસ ધરાવતા દર્શકોએ આ ફિલ્મ એકવાર ચોક્કસ જોવી જોઈએ.